




- એકતા નગર ખાતે મધ્યપ્રદેશની લોકકળાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ શ્રીવાસ સંગીતના 40 પ્રકારના પ્રતિરૂપ વાદ્યો રજૂ કરી રહ્યા છે
- ભારત પર્વ–2025માં મધ્યપ્રદેશના રાહુલ શ્રીવાસની સુરીલી સર્જનયાત્રાઃ વેસ્ટ મટિરિયલથી બનેલા પ્રતિરૂપ વાદ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર
- વોકલ ફોર લોકલની તાલે રાહુલ શ્રીવાસનું સર્જનઃ વેસ્ટ મટિરિયલમાંથી બનેલા વાદ્યો આત્મનિર્ભર ભારતનો જીવંત સ્વર બની ઊઠ્યા
અમદાવાદ,7 નવેમ્બર (હિ.સ.) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના પરિસરમાં આ દિવસોમાં ભારતની અનેકતામાં એકતાની ઝલક જોવા મળી રહી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી 1 થી 15 નવેમ્બર દરમિયાન એકતા નગર ખાતે ભવ્ય ‘ભારત પર્વ’નું આયોજન થયું છે. દેશના વિવિધ રાજ્યોની લોકકળા, સંગીત અને સંસ્કૃતિ અહીં એક સાથે પ્રદર્શિત થઈ રહી છે.
આ ઉત્સવમાં મધ્યપ્રદેશના ભોપાલની અરેરા કોલોનીના રહેવાસી વાદ્યયંત્ર પ્રતિરૂપ કલાકાર રાહુલ શ્રીવાસ પણ પોતાની અનોખી કળાથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. તેઓ ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી ટબલા, ઢોલક, હાર્મોનિયમ, સિતાર, વીણા, વાજિંત્રોમાં બીન, મોરલી, જલતરંગ, મૃદંગ, ખંજરી, ડફ, શંખ, ઝાલર, કિરતાલ, સારંગી, શરણાઈ, સૂરમંડળ, બંસી જેવા આશરે 40 પ્રકારના નાના સંગીત વાદ્યોના પ્રતિરૂપ બનાવી રહ્યા છે. આ પ્રતિરૂપ વાદ્યો માત્ર આકર્ષક દેખાવ જ નહીં, પરંતુ “વોકલ ફોર લોકલ”ની ભાવનાનું જીવંત ઉદાહરણ પણ છે.
સંગીતપ્રેમી પરિવારમાં જન્મેલા રાહુલ શ્રીવાસે મધ્યપ્રદેશની પ્રયાગ યુનિવર્સિટીમાંથી સંગીતમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. શરૂઆતમાં તેઓ સંગીત કાર્યક્રમોમાં ભાગ લેતા હતા, પરંતુ મોંઘા વાદ્યો ખરીદવાની અસમર્થતાને કારણે તેમણે નવી દિશામાં વિચાર શરૂ કર્યો.
રાહુલભાઈ કહે છે, “વાદ્યોની કિંમતો વધારે હોવાથી ખરીદી મુશ્કેલ હતી, એટલે ફર્નિચરના વેસ્ટ મટિરિયલમાંથી નાના પ્રતિરૂપ વાદ્યો બનાવવાનું શરૂ કર્યું. લોકોને એ વાદ્યો ખૂબ પસંદ આવ્યા અને ધીમે ધીમે તેની માંગ વધી.”
આ રીતે હાથથી બનાવેલા વાદ્યોના વેચાણથી તેમણે પોતાની આજીવિકા ઉભી કરી. આજથી દાયકાઓ પહેલાં શરૂ થયેલો આ નાનો પ્રયાસ આજે તેમની આત્મનિર્ભરતા અને સર્જનાત્મકતાનું પ્રતિક બની ગયો છે.
હાલમાં રાહુલ શ્રીવાસ પોતાના પરિવારના સહયોગથી આશરે 20 જેટલી મહિલાઓને નાના પ્રતિરૂપ વાદ્ય બનાવવાની કામગીરી શિખવી રોજગાર આપી રહ્યા છે. તેઓ મહિને 30,000 જેટલી આવક મેળવે છે અને તેમની સાથે જોડાયેલી મહિલાઓને દરરોજ 300 જેટલી રોજગારી આપે છે.તેઓ કહે છે કે, “હું આત્મનિર્ભર બન્યો છું, પણ મારી સાથે જોડાયેલી મહિલાઓને પણ આત્મનિર્ભર બનાવી શક્યો છું, એજ સાચો સંતોષ છે.”
એકતા નગર ખાતે ભારત પર્વની ઉજવણી દરમિયાન મધ્યપ્રદેશ પ્રવાસન વિભાગના સંકલન થકી રાજ્ય સરકાર દ્વારા રાહુલ શ્રીવાસને ખાસ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે, જ્યાં તેઓ પોતાના વાદ્યોનું પ્રદર્શન અને વેચાણ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે,“લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાત સરકારના આયોજનથી અમારા જેવા નાના ઉદ્યોગકારોને મોટું મંચ મળ્યું છે, જે બદલ હું હૃદયથી આભારી છું.”તેમના સ્ટોલ પર દેશના વિવિધ રાજ્યોના પ્રવાસીઓ ઉત્સાહપૂર્વક આવે છે. નાના કદના વાદ્યોનું આકર્ષણ સૌને મોહિત કરી દે છે.
રાહુલ શ્રીવાસની કળા માત્ર વ્યવસાય નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતના સપનાનું પ્રતિબિંબ છે. વેસ્ટ મટિરિયલમાંથી કલાત્મક અને ઉપયોગી વાદ્યો બનાવવાની તેમની રીત ‘વોકલ ફોર લોકલ’ અને ‘મેક ઈન ઈન્ડિયા’ના સંદેશને જીવંત કરે છે.
એકતા નગરના આ ભારત પર્વ–2025 દરમિયાન રાહુલભાઈ જેવા કલાકારો ભારતની ધરતી પર રહેલી હસ્તકલા, લોકસંગીત અને આત્મનિર્ભરતાની ભાવનાને ઉજાગર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ