
બેંગલુરુ, નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક
ડૉ. મોહન ભાગવતે શનિવારે જણાવ્યું હતું કે,”મુસ્લિમો અને ખ્રિસ્તીઓને જાણીજોઈને
ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે કે, તેઓ હિન્દુઓથી અલગ છે, તેમ છતાં તેઓ બધાના પૂર્વજો એક સમાન છે અને પરંપરાગત વિચારધારા પણ સમાન ધરાવે છે. તેઓ ઘણા મુસ્લિમો અને ખ્રિસ્તીઓને
મળ્યા છે, જેઓ તેમના ગોત્ર પણ જણાવતા હોય છે.”
ડૉ. ભાગવત સંઘના શતાબ્દી વર્ષના ભાગ રૂપે આયોજિત, બે દિવસીય
વ્યાખ્યાન શ્રેણી (8 અને 9 નવેમ્બર) ને
સંબોધિત કરી રહ્યા હતા. તેનું આયોજન બનશંકરીમાં હોસાકેરેહલ્લી રિંગ રોડ પર, પીઈએસ યુનિવર્સિટીમાં
કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે વિવિધ રાજ્યોમાંથી આશરે 1,200 પ્રતિષ્ઠિત
હસ્તીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમથી થઈ હતી.
સરસંઘચાલક ડૉ. ભાગવતે કહ્યું કે,” ભારત એક હિન્દુ રાષ્ટ્ર
છે અને હિન્દુ હોવાનો અર્થ રાષ્ટ્ર પ્રત્યે જવાબદાર રહેવું છે.” તેમણે કહ્યું કે,”
વિવિધતાનો આદર કરતી વખતે, એકતા જાળવી રાખવી એ ભારતની સુંદરતા છે. વિવિધતા એ આપણું
શોભા છે.” તેમણે કહ્યું,
હિન્દુ હોવાને કારણે,
આપણે ભારત માટે
જવાબદાર છીએ. ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે, અને સંઘનું કાર્ય, આ ભાવનાને મજબૂત કરવાનું છે. સંઘ આજે
વિકસ્યો છે, પરંતુ અમે
સંતુષ્ટ નથી. અમારું લક્ષ્ય સમગ્ર સમાજને એક કરવાનું છે.”
ડૉ. ભાગવતે કહ્યું કે,” વર્ષોથી, સંઘ વિરુદ્ધ ઘણું
બધું કહેવામાં આવ્યું છે,
પરંતુ વિરોધ ફક્ત
મૌખિક રહ્યો, હૃદયમાં નહીં.
જ્યારે અમે સમાજમાં ફર્યા,
ત્યારે અમને કોઈ
વિરોધ મળ્યો નહીં. અમે સેવા કરવા આવ્યા છીએ, અને હવે સમાજ અમારા પર વિશ્વાસ કરી રહ્યો છે.” તેમણે કહ્યું
કે,” વિરોધીઓ પણ અમારા માટે ઉપયોગી છે, જેમ ટીકાકારોને નજીક રાખવા જોઈએ.”
સંઘના સ્વરૂપ વિશે વિગતવાર જણાવતા તેમણે કહ્યું કે,” આ
સંગઠન અનોખું છે, અન્ય કોઈપણ સંગઠન
સાથે અતુલ્ય છે.” તેમણે સમજાવ્યું કે,” સંઘ કોઈ પ્રતિક્રિયામાંથી જન્મ્યો નથી. 1857ની ક્રાંતિ પછી, તે ધ્યાનમાં
લેવામાં આવ્યું કે, કેવી રીતે થોડા લોકો, અમારા પર શાસન કરી રહ્યા હતા. ડૉ.
કેશવરાવ બલિરામ હેડગેવાર પણ આમાં સામેલ હતા. ડૉ. હેડગેવારે 1916-17માં આ દિશામાં
પ્રયોગો શરૂ કર્યા, અને 1925માં
સંઘનો ઉદય થયો. 1939 સુધીમાં, કાર્યકરોએ તેને એક સાબિત મોડેલ તરીકે સ્વીકારી લીધું હતું.”
સંઘ પ્રમુખ ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે,” વ્યક્તિગત અને
રાષ્ટ્રીય ચારિત્ર્ય બંને આવશ્યક છે. આ વિચારથી શાખા પરંપરાની રચના થઈ - એક કલાકના
અભ્યાસ દ્વારા, વ્યક્તિ અને સમાજ બંનેનું નિર્માણ.”
નોંધનીય છે કે, સંઘે 2 ઓક્ટોબર, 2૦25ના રોજ તેનું
1૦૦મું વર્ષ પૂર્ણ કર્યું છે. આ શતાબ્દી વર્ષ દરમિયાન, દેશભરમાં
વ્યાખ્યાન શ્રેણી, યુવા પરિષદો, સામાજિક સંવાદ
કાર્યક્રમો અને સંવાદ શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ સમાજના
તમામ વર્ગોને રાષ્ટ્રીય એકતાના સૂત્રમાં જોડવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ