મંત્રી ડૉ. મનીષા વકીલના હસ્તે ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરાયું
ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર ટ્રેનર તૈયાર કરવામા
બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ


બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ


ગાંધીનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષા વકીલના હસ્તે ગાંધીનગર ખાતેથી ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ‘બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ’ દ્વારા જિલ્લા તથા તાલુકા કક્ષાએ માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવશે. જેઓ બાલિકા પંચાયતની બાલિકાઓને તાલીમ આપશે.

તાલીમ મોડ્યુલના વિમોચન પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકાને વધુ મહત્વ આપી તેમનામાં નેતૃત્વના ગુણો વિકસાવવાના હેતુથી બાલિકા પંચાયત જેવી નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બાલિકા પંચાયત જેવી નવતર પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, તાલીમ મોડ્યુલ થકી ‘સક્ષમ બાલિકા, સશક્ત ગુજરાત’નો ઉદ્દેશ્ય સાકાર થશે રાજ્યમાં હાલ 13 હજાર બાલિકા પંચાયત કાર્યરત છે. જેમાં એક લાખથી વધુ બાલિકાઓ સહભાગી થઈ રહી છે. આગામી સમયમાં બાકીની બાલિકા પંચાયત શરૂ કરવા તથા કાર્યરત પંચાયતમાં યોગ્ય તાલીમ આપવા માટે આ મોડ્યુલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

યુનિસેફના સહયોગથી બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કિશોરીઓમાં પોષણ, એનીમિયા, જેન્ડર આધારીત ભેદભાવ, નેતૃત્વ અને પંચાયતી રાજ, બાળ અધિકારો અને સલામતી અને સંરક્ષણ માટેના કાયદા, કિશોરાવસ્થામાં થતા ફેરફારો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે મહિલા બાળ વિકાસ સચિવ રાકેશ શંકરે બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલ વિશે વિસ્તૃત સમજ આપી હતી. રાજ્યની વધુ દીકરીઓ આ પંચાયતનો લાભ લઈ શકે તે માટે આવનારા દિવસોમાં બાકી રહેલા 1500થી વધુ બાલિકા પંચાયતને વહેલામાં વહેલી તકે શરૂ કરાવી તેની તાલીમ પૂર્ણ કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021- 22માં કચ્છ જિલ્લામાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ જીલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનમાં નવતર તેમજ ઐતિહાસિક પહેલના ભાગરૂપે કુનરીયા, મોટા અંગિયા અને મસ્કા આ ત્રણ ગ્રામ પંચાયત હેઠળ પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આ મોડ્યુલ અમલી બનાવ્યું છે.

ગ્રામ્ય સમુદાયમાં બાલિકાઓ અંગે સમાજની માનસિકતામાં પરિવર્તન લાવવા, જન્મ પ્રોત્સાહન, પોષણ-આરોગ્ય સ્થિતિમાં સુધારો, ઉચ્ચશિક્ષણ, સુરક્ષા–સલામતી સર્વાંગી વિકાસ દ્વારા સશક્તિકરણ કરવાનો પ્રયાસ છે. સરકારશ્રીની વિવિધ સરકારી યોજના-કાયદાઓ વિશે જાગૃતિ, સમાજમાં દીકરી અને દિકરા વચ્ચેના જાતિગત ભેદભાવને દૂર થાય દિકરીઓના જન્મદરમાં વધારો થાય તથા પ્રજાતાંત્રિક મૂલ્યો અંગે અવગત કરાવવાના ઉદ્દેશથી બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં યુનિસેફ ગુજરાતના ચીફ પ્રશાંત દાસ, આઇસીડીએસ કમિશનર રણજીત કુમાર સિંહ, મહિલા કલ્યાણ નિયામક પી.એ.નિનામા તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીઓ, મિશન શક્તિના અધિકારી કર્મચારી અને ICDS પૂર્ણા કન્સલટન્ટ હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande