
વડોદરા, 10 ડિસેમ્બર (હિ.સ.) : વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામના સીમમાંથી યુવતીની લાશ અવાવરુ જગ્યાએથી મળી આવી છે,હત્યાની આશંકા લાગી રહી છે. યુવતીને ગળાના ભાગે ઈજાના નિશાન અને શરીર પર ઈજાના નિશાન હતાં. પોલીસને હત્યા થઈ હોવાની આશંકા છે.
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાંથી આજે એક 25 વર્ષીય યુવતીની લાશ મળી આવી હતી. ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.
અંકોડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં આજે એક યુવતીની લાશ મળી હોવાનો કોલ સ્થાનિક વ્યક્તિએ પોલીસને આપ્યો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ વડોદરા તાલુકા પોલીસની ટીમ, પીઆઇ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તથા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી છે.
હાલ યુવતીની ઓળખ થઈ નથી. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આસપાસના લોકો પાસેથી પણ પૂછપરછ હાથ ધરી છે.
આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય તથા રોષનો માહોલ સર્જ્યો છે. પોલીસે હત્યારા કે હત્યારાઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ તેજ કરી દીધી છે.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, ખેતરમાંથી યુવતીની લાશ મળી હોવાનો કોલ મળતાં અમે તુરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં છે, જેથી હત્યાનું અનુમાન છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલ અમારી ટીમો સઘન તપાસમાં લાગી ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ