

- કાશ્મીર જેવુ વાતાવરણ ઉભુ કરી વડોદરામા કરી રહ્યા છે કેસરની ખેતી : ખેતીનો વિસ્તાર બમણો કરતા આ વર્ષે વધારે ઉત્પાદનની અપેક્ષા
- અદ્યતન એરોપોનિક્સ તકનીકનો ઉપયોગ કરી પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી થકી એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું
વડોદરા,10 ડિસેમ્બર (હિ.સ.) વડોદરાના ઉત્સાહી યુગલ વૈભવ અને આસ્થા પટેલે, અદ્યતન એરોપોનિક્સ તકનીકનો ઉપયોગ કરીને પ્રીમિયમ મોગરા કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ વર્ષે તેઓ કેસરની ખેતી માટે સુવિધા બમણી કર્યા પછી સારા ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યા છે. તેમની સિદ્ધિ વડોદરા જિલ્લાના આધુનિક બાગાયતમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે, જે અધ્યતન ટેકનોલોજીના ઉપયોગ થકી બિન-પરંપરાગત પ્રદેશોમાં પણ ઉચ્ચ-મૂલ્યની ખેતી કેવી રીતે કરી શકાય તે માટ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આ દંપતીએ વડોદરામાં કાશ્મીર જેવું નિયંત્રિત વાતાવરણ ખૂબ જ કાળજીપૂર્વક વિકસાવ્યું છે, જેનાથી કેસર - જે પરંપરાગત રીતે ફક્ત ચોક્કસ ઠંડા વાતાવરણવાળા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે – તે જ ગુણવત્તાયુકત કેસરની ખેતી હાલ વડોદરામાં કરી રહ્યા છે. તેમની એરોપોનિક સેટઅપ શ્રેષ્ઠ તાપમાન, ભેજ, પોષક તત્વો પહોંચાડવા અને પ્રકાશ ચક્રને સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે સુગંધિદાર અને શ્રેષ્ઠ મોગરા કેસર જેવા સમૃદ્ધ રંગ મળે છે.
“ઘણા સંશોધન પછી અમે ત્રણ વર્ષ પહેલાં 100 ચોરસ ફૂટ વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેસરનું ઉત્પાદન શરૂ કર્યું હતું. સ્થાનિક નાગરિકોના કેસર પ્રત્યેના બહોળા પ્રતિસાદ પછી અમે હવે 200 ચો. ફૂટ વિસ્તારનો વધારો કરી ઉત્પાદન વધારવા તરફ પ્રસ્થાન કર્યું છે.
આ વિસ્તરણ સાથે, અમે આ વર્ષે ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા રાખીએ છીએ અને આ પ્રીમિયમ કેસરમાંથી એક કિલોગ્રામ કે તેથી વધુ મેળવવાની આશા રાખીએ છીએ,” વૈભવ પટેલે જણાવ્યું.
વડોદરા શહેરના યુવાનોને પરંપરાગત ખેતીથી કઇંક અલગ કરવાની પ્રેરણા આપયુ આ યુગલ ભવિષ્યમાં કેસરના ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે જેમ કે બીજ બમણા કરવા જેથી તેમણે બીજ માટે કાશ્મીર પર નિર્ભર ન રહેવું પડે. ઉપરાંત તે ઉત્પાદન ચક્રને વર્ષમાં બે કે ત્રણ વખત વધારવા માંગે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ