જામનગરમાં ધોળે દિવસે યુવકને પિતરાઈ ભાઈએ સરાજાહેર છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં આજે ધોળે દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલા છુટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા-ફોઇના ભાઇઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિલીપ ચૌહાણને ત
હત્યા ફાઈલ ફોટો


જામનગર, 10 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં આજે ધોળે દિવસે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલા છુટાછેડા અને બાદમાં પત્નીના અન્ય જગ્યાએ લગ્નને લઇને સગા મામા-ફોઇના ભાઇઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ દિલીપ ચૌહાણને તેની પત્ની સાથે છુટાછેટા થયા હતા, જે બાદ તેની પત્નીએ જયેશ ચાવડા નામના યુવક સાથે લગ્ન કર્યા હતા. જે વાતથી દિલીપને મંજૂર ન હોવાથી આજે સાડા અગીયાર વાગ્યાના અરસામાં દિલીપે છરીના ઘા ઝીંકીને જયેશનું ઢીમ ઢાળી દીધુ છે.

આજે સવારે સાડા અગીયાર વાગ્યાના અરસામાં જયેશ ચાવડા અને તેની પત્ની બાઇક લઇને નીકળ્યા હતા. આ દરમિયાન શહેરના 49 દિગ્વિજય પ્લોટ રોડ પર આવેલા નહેરુનગર શેરી નંબર 13 પાસે દિલીપે બંનેને રોક્યા હતા અને બાદમાં બોલાચાલી શરૂ થઇ હતી.

દિલીપ અને જયેશ વચ્ચે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્રસ્વરુપ ધારણ કરતાં દિલીપે છરીના આડેઘડ ઘા ઝીંકીને જયેશની હત્યા કરી દીધી હતી અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.

મૃતકના પત્ની સોનલબેને જણાવ્યું કે, હું પ્રેગનેન્ટ છું જેથી અમે મમતા દિવસમાં જતા હતા ત્યારે તે સામે ભટકાયો હતો અને તેણે કહ્યું કે તારી ગાડી પાછી વાળ. જેથી અમે ગાડી પાછી વાળી હતી તેમ છતાં છરીના ઘા મારવા લાગ્યો હતો તે બે લોકો હતા એક દિલીપ ચૌહાણ અને એની સાથે એક બીજો વ્યક્તિ હતો, જેને હું નથી ઓળખતી.

પોલીસે જયેશના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો છે અને આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ દિલીપ અને જયેશ સગા મામા-ફોઇના દીકરા ભાઇ થાય છે. ધોળા દિવસે ખૂનીખેલ ખેલાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળ અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande