
સુરત, 22 ડિસેમ્બર (હિ.સ.) : સુરતના ઉત્રાણ વિસ્તારમાં આવેલી વેદાંત સિટી સોસાયટીમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ફરજ બજાવતા વૃદ્ધ વોચમેન હિંમતભાઈ ચૌહાણે ખુરશી સરખી મૂકવાની સામાન્ય સૂચના આપતા જ સોસાયટીમાં રહેતા પિતા-પુત્ર ઉશ્કેરાઈ ગયા હતા. વિવાદ વધતા પહેલા ગાળાગાળી અને બાદમાં મારામારી થઈ હતી. પિતા-પુત્રે વૃદ્ધને રસ્તા પર દોડાવી પકડી લીધો અને લાકડી તથા લાકડાના ફટકાથી નિર્દયતાથી માર માર્યો. સમગ્ર ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં હુમલાની ભયાનકતા સ્પષ્ટ જોવા મળે છે.
આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા હિંમતભાઈને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હિંમતભાઈના પુત્ર દ્વારા ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપી પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે