


પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના સિનિયર ફોટોગ્રાફર ભરત પંચાલને અમદાવાદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના ફોટો પ્રદર્શનમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો છે. નિહારિકા ફોટો સોસાયટી દ્વારા કર્ણાવતી આર્ટ ગેલેરીમાં આયોજિત વાર્ષિક પ્રદર્શનમાં તેમની ‘બે મોરની લડાઈ’ શીર્ષકવાળી તસ્વીરને શ્રેષ્ઠ જાહેર કરવામાં આવી હતી.
વર્ષ 1938થી કાર્યરત નિહારિકા ફોટો સોસાયટી દર વર્ષે ગુજરાતના ફોટોગ્રાફરોને પ્રોત્સાહન આપવા પ્રદર્શન અને સ્પર્ધાનું આયોજન કરે છે. તાજેતરના આ પ્રદર્શનમાં રાજ્યભરના અનેક કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં ભરત પંચાલની બે મોર વચ્ચેના સંઘર્ષને દર્શાવતી અનોખી તસ્વીરે નિર્ણાયકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું.
આ સિદ્ધિ બદલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમને પ્રથમ ક્રમનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પુરસ્કાર વિતરણ સમારંભમાં સાહિત્યકાર માધવ રામનુજ, સુરેન્દ્ર શાહ તથા દીનાબેન રાવલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં વક્તાઓએ વિજેતા ફોટોગ્રાફરોની કલાને બિરદાવી હતી. અગાઉ પણ દેશ-વિદેશના અનેક પુરસ્કારો મેળવી ચૂકેલા ભરત પંચાલની આ સફળતાથી સિદ્ધપુર પંથકનું ગૌરવ વધ્યું છે અને મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ