
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)ઉત્તરાયણ તહેવાર પૂર્વે પાટણમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને હેરાફેરી સામે પાટણ સિટી એ-ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે અલગ-અલગ બે સ્થળેથી ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ ₹67,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રથમ કિસ્સામાં, ખોખરવાડો ઓડવાસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન રોહિતભાઈ નગીનભાઈ અજમલભાઈ ઓડના મકાનમાંથી ‘મોનો કિંગ ગોલ્ડ’ લખેલી નાયલોન (ચાઇનીઝ) દોરીની 23 ફિરકીઓ મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹5,750 છે.
બીજા કિસ્સામાં, બુકડી કસાવાડા નજીક પોલીસે રિક્ષા નંબર GJ-27-U-4443 અટકાવી તપાસ કરતાં તેમાં 45 ફિરકીઓ ચાઇનીઝ દોરી મળી આવી હતી. આ મામલે રિક્ષા ચાલક અમિતભાઈ મહેશભાઈ પટણી અને મહેશભાઈ નગીનભાઈ પટણીની ધરપકડ કરી ₹61,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેય આરોપીઓ સામે BNS કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ