


પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના માણેકચોકમાં ઐતિહાસિક તાકમાંથી અવારનવાર લાકડા અને અન્ય સામગ્રીઓ પડી રહી છે અને લોકો ઉપર પડતા ઈજા થઈ રહી છે તેમ છતાં મનપાનું તંત્ર જાગતું નથી ત્યારે શુક્રવારે બપોરના સમયે તોતિંગ લાકડું પડયું હતું સદ્દનસીબે કોઈને ઈજા થઈ ન હતી પરંતુ નાસભાગ થઈ હતી.
બનાવની વિગત એવી છે કે પોરબંદરમાં કીર્તિ મંદિર પાસે આવેલ માણેકચોકના ઐતિહાસિક તાક માથી અવારનવાર લાકડા પડે છે તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર જાગતું નથી અને અવારનવાર લોકોના માથે પડતા લાકડાને કારણે રાહદારીઓથી માંડીને અહીંયા દુકાનમાં કામ કરતા લોકો પણ ઘાયલ થઈ ચૂક્યા છે તેમ છતાં તંત્ર સુધરતું નથી ત્યારે શુક્રવારે બપોરના સમયે વધુ એક તોતિંગ લાકડું તાકમાંથી પડતા નાસભાગ મચી હતી. ત્યારે કોઈ પસાર થતું નહીં હોવાથી ઇજા કે જાનહાની થયા નથી પરંતુ જો કોઈના માથા ઉપર પડ્યું હોત તો ચોક્કસપણે તેનું મૃત્યુ થયું હોત તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે.
પોરબંદર શહેરમાં હાલ પણ રાજાશાહી વખતના અનેક ઇતિહાસિક બાંધકામ આવેલ છે.પરંતુ સમયાંતરે આ બિલ્ડીંગના સમારકામના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે.પોરબંદરના મહારાજા દ્વારા વર્ષો પૂર્વે માણેકચોક ખાતે આવેલ દરવાજા પર તાક બનાવવામાં આવ્યા હતા.વર્ષો પૂર્વે લાકડામાંથી બનાવેલ તાક સમારકામ અને જાળવણીના અભાવે હાલ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
પોરબંદરના માણેક્યોક ખાતે રાજાશાહી વખતના તાક અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે જેથી 15 દિવસ પહેલા એક યુવાન પર જર્જરિત તાકમાંથી એક પાટીયું પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો.આ ઘટના બાદ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકોનો જીવ જાય તે પહેલાં તાક ઉતારવાની બદલે પુરાતત્વ વિભાગને પત્ર લખી તાક ઉતારવા મજૂરી આપવા પત્ર લખવામાં આવ્યો છે, અને આ રીતે સરકારી કરણ થી મજબૂર બનેલા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ ફેક્સીબલ થતા નથી અને લોકોનો જીવ જશે ત્યારે કુંભકરણની નિંદ્રામાંથી તેઓ ઉઠશે તેવું જણાઈ રહ્યું છે.પોરબંદરના મહારાજા દ્વારા શીતલા ચોક ખાતે 100 વર્ષ પૂર્વે દરબારગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે જ પોરબંદરના માણેકચોક ખાતે તાકનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આ ઈતિહાસિક તાક પણ 100 વર્ષ જુના હોવાનું જાણવા મળ્યું છે.આ જર્જરિત તાકમાંથી અવાર નવાર લાકડા સહિતનો મલ્બો પડતો હોવાની પણ ઘટના બને છે તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર પત્રો લખીને મંજૂરીઓ માંગી રહ્યું છે તે શરમજનક છે તેમ જણાવીને પોરબંદર વાસીઓએ જણાવ્યું છે કે કોઈનો જીવ જાય તે પહેલા મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ જાગી જાય અને લોકોની પરેશાનીને દૂર કરે તે જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya