
પાટણ, 27 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુરના જાણીતા તબીબ ડૉ. શ્વેતાબેન અજાણીને તબીબી ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ ‘નેશનલ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માન તેમને ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ NATCON 2025 દરમિયાન એનાયત કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) GSB દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં IMAના પ્રેસિડેન્ટના હસ્તે ડૉ. અજાણીને એવોર્ડ આપવામાં આવ્યો હતો. તબીબી ક્ષેત્રે તેમની લાંબા સમયની નિષ્ઠાવાન સેવાઓની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.
વર્ષો સુધી તબીબી વ્યવસાય સાથે જોડાઈ સમાજની નિઃસ્વાર્થ સેવા કરવાના બદલામાં તેમને આ ગૌરવસભર સન્માન પ્રાપ્ત થયું છે. સિદ્ધપુર જેવા નાના શહેરમાંથી રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ સમગ્ર પંથક માટે ગૌરવની વાત બની છે.
આ અવસર પર સિદ્ધપુર શહેરના અગ્રણીઓ તેમજ સિદ્ધપુર IMA એસોસિએશનના સભ્યો દ્વારા ડૉ. શ્વેતાબેન અજાણીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. આ એવોર્ડને સિદ્ધપુરના તબીબી જગત માટે એક મોટી ઉપલબ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ