
જામનગર, 27 ડિસેમ્બર (હિ.સ.) : ભૂકંપના એપી સેન્ટરની જેમ જીએસટી ચોરી કરવા માટે થતાં બોગસ બીલીંગનું એપી સેન્ટર બની ગયું છે. કારણ કે, તાજેતરમાં સીબીઆઇસીની ખાસ દેશવ્યાપી ડ્રાઇવમાં રાજકોટ કમિશનોરેટમાં જામનગરમાં અધધ..૪૭૯ શંકાસ્પદ જીએસટીએન એકટીવ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ખોટી રીતે કરોડોની આઇટીસી પાસ ઓન કરવાનું સુવ્યસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે.
વીજચોરીની જેમ જીએસટી ચોરીમાં પણ જામનગર મોખરે હોય સ્થાનિક અધિકારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી છે. કારણ કે, શહેરમાંથી ખૂબજ ટૂંકાગાળામાં કરોડોની જીએસટી ચોરીના કૌંભાડ પકડાયા છે. આ કૌંભાડનો પર્દાફાશ ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટીમોએ કર્યો છે.
જામનગરમાં છેલ્લાં ગણતરીના મહીનાઓમાં એક પછી એક કરોડોની જીએસટી ચોરીના કૌંભાડો ઝડપાતા રાજયભરમાં શહેરનું નામ બદનામ થયું છે. ત્યારે જીએસટી ચોરી સબબ વધુ એક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્ડાયરેકટ ટેક્ષીસ(સીબીઆઇસી) દ્રારા દેશભરમાં બોગસ જીએસટીએન શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
જેમાં એકલા રાજકોટ કમિશનોરેટના જયુરીડીકશનમાં ૧૨૬૦ જેટલા બોગસ જીએસટી નોંધણી નંબર એકટીવ એટલે કે કાર્યરત હોવાનો ઘટસ્ફોટ થયો છે. આટલું જ નહીં રાજકોટ કમિશનોરેટ કે જેમાં ગોંડલ, ભાવનગર, રાજકોટ, મોરબી, જામનગરનો સમાવેશ થાય છે. તે પૈકી એકલા જામનગરમાં જ ૪૭૯ જેટલા બોગસ જીએસટીએન એકટીવ હોવાનો ધડાકો પણ થયો છે. જીએસટીના આ બોગસ નંબર દ્રારા કરોડો રૂપિયાની આઇટીસી ખોટી રીતે પાસ ઓન કરી સરકારી તીજોરીને તળીયા ઝાટક કરવાનું સુવ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં વીજચોરીમાં જામનગરનું નામ વગોવાયેલું છે. કારણ કે, છેલ્લા ઘણાં સમયથી વીજચોરીમાં મોખરે છે. આ જ રીતે હવે, જામનગર બોગસ બીલીંગનું હબ બનતા જામનગરની શાખને વધુ એક બટ્ટો લાગી રહ્યો છે. બોગસ બીલીંગ દ્વારા કરવામાં આવતી ચોરી પકડવા માટે જીએસટી વિભાગમાં જુદા-જુદા વીંગ કાર્યરત છે.
જામનગરમાં ખૂબજ ટૂંકાગાળામાં ડીજીજીઆઇ અને સેન્ટ્રલ જીએસટીની ટીમોએ દરોડા પાડી કરોડોના કૌંભાડ પકડી પાડ્યા છે. ત્યારે જામનગરના અધિકારીઓને ચાલી રહેલા કૌંભાડોની તણખલા જેટલી જાણ પણ ન હોય તેવી સ્થિતિ પ્રર્વતતા અનેક સવાલની સાથે શંકાઓ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt