
પોરબંદર, 27 ડિસેમ્બર (હિ.સ.) : થોડા દિવસો પૂર્વે ED દ્વારા સુરેન્દ્રનાગર કલેક્ટરના નિવાસ સ્થાન સહિતના સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોરબંદરના આર.ટી. આઈ. એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભાનુભાઈ ઓડેદરાએ વડાપ્રધાનને લેખીત આવેદન પાઠવી ગુજરાતના અન્ય વહીવટી તંત્ર, પોલીસ ખાતામાં ફરજ બજાવતા અધિકારીઓની જંગમ અને સ્થાવર મિલકતની તપાસણી કરવા રજુઆત કરી છે.
ભનુભાઈએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના તમામ સનદી અધિકારીઓમાં સચિવો, કમિશ્નરો, કલેકટર, પોલીસ વડા, IAS, IPS સહિતના અધિકારીઓની જંગમ અને સ્થાવર મિલ્કતની તપાસણી કરવામાં આવે તો કરોડો રૂપિયાના ચોરી બહાર આવી શકે તેમ છે. હાલમાં સુરેંદ્રનગર કલેક્ટર તથા અન્યની ED દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાં મોટો વ્યવહાર સામે આવ્યો હતો. તેમ ગુજરાત રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં રેવન્યુ, ખાણ-ખનીજ, જમીન કૌભાંડો, વિન્ડફાર્મ પ્રોજેક્ટોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. અને દરેક જિલ્લાઓમાં દલાલ મારફતે કૌભાંડ આચરવામાં આવી રહ્યા છે.
વધુમાં ભનુભાઈએ જણાવ્યું છે કે, ગુજરાતમાં રેવન્યુ વિભાગ પછી માર્ગ અને મકાન વિભાગના તમામ અધિકરીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના અધિકારીઓ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે પણ સ્થાવર જંગમ મિલ્કતો તેમના સાગા સંબંધી અને પોતાના નામે છે.
ગુજરાત રાજ્યના તમામ નિવૃત પોલીસવડાઓ, સચિવો, કલેક્ટર અને કમિશ્નરોની હાલમાં ગાંધીનગર અને અમદાવાદમાં કરોડો રૂપિયાના બંગલા અને ફાર્મ હાઉસ આવેલા છે. આથી હાલમાં તમામ છેલ્લા 10 વર્ષમાં નિવૃત થયેલા તથા હાલમાં ફરજ બજાવતા સનદ અધિકારીઓ અને તેમના સાગે સંબંધીની મિલકત તપાસવામાં આવે તો અપ્રમાણસરની મિલ્કતો બહાર આવે તેમ છે જેથી ED તથા અન્ય મોટી એજન્સીઓ દ્વારા આ તમામ અધિકારીઓની મિલકત તપાસવામાં આવે તે માટે પોરબંદરના જાણીતા આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ વડાપ્રધાનને લેખિત આવેદન પાઠવી રજુઆત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya