
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : વિચારો કે તમારું બાળક રમવા જાય અને ઘરે આવતા જરાક મોડું થઈ જાય છે, તમે એને શોધવા મથો પણ જલદી મળે નહીં તો મા બાપ તરીકે આપણા સૌની હાલત શું થાય! બસ એવીજ હાલત ઉત્તર પ્રદેશના બરેલીની એક એવી માતાની હતી જેનું મુકબધીર બાળક તેનાથી ૧૫ મહિના દુર રહ્યું, બાળક ક્યાં છે, કેવી હાલતમાં છે કોઈ જ ખબર નહીં, બાળકની ગુમ થયાની ફરિયાદ નોંધાવી, બહું કોશિશ કરી અને છેલ્લે હારીને પરિવારે બાળક મળવાની આશા છોડી દીધી. પણ માને વિશ્વાસ હતો કે, તેનો દિકરો તેને પાછો મળશે અને માના આ વિશ્વાસને ખરો સાબિત કર્યો છે, આપણા ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ.
વિગતે વાત કરવામાં આવે તો તા.૦૨/૧૨/૨૦૨૫ બપોરે ૦૩:૦૦ કલાકે દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી કેપીટલ રેલવે સ્ટેશન ગાંધીનગર પર કેપીટલ રેલવે પોલીસ, ગાંધીનગરને આશરે ૧૫ વર્ષનો મુકબધિર બાળક બિનવારસી હાલતમાં મળી આવતા,બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી બાળકને સરકારી બાળગૃહ સેકટર -૧૭ ગાંધીનગર ખાતે સંભાળ અને રક્ષણ માટે સંસ્થાકીય આશ્રય હેઠળ મુકવામાં આવ્યો હતો.
બાળક બોલી તેમજ સાંભળી શક્તો ન હોવાથી તેનું નામ સરનામું કે વાલીવારસ, ઘર પરિવાર સંબંધિત કોઇ પણ માહિતી બાળક પાસેથી મળતી ન હોવાથી, બાળકનું સાંકેતિક ભાષામાં અવારનવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ બાળક કોઇ પણ પ્રકારની માહિતી આપતો ન હતો. બાળક અક્ષરજ્ઞાન ન ધરાવતો હોવાથી તે ફક્ત તેનું નામ અયાનજ લખી શક્તો હતો.અને સાંકેતિક ભાષામાં બાળકે પોતે મુસ્લિમ છે, તેમ જણાવેલ હતુ. આ સિવાય અન્ય માહિતી આપતો ન હોવાથી બાળકના પરિવારની શોધખોળ કરવીએ પડકારરૂપ પરિસ્થિતી સંસ્થા માટે ઉભી થઇ હતી.
આખરે બાળકનું વારંવાર ફોલોઅપ કાઉન્સેલિંગ કર્યું અને બાળકને પારીવારીક સભ્યો પ્રત્યે લાગણી ઉદ્ભવ કરાવતા, સાંકેતિક ભાષામાં મસ્જિદ દર્શાવતા ,બાળક દિલ્હી થી આવતી દોલતપુર એક્સપ્રેસમાં આવેલ હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આ પછી બાળકને ગુગલ મેપમાં દિલ્હીની પ્રખ્યાત જગ્યાઓ બતાવતા બાળકને લાલ કિલ્લાની જાણ કરી હતી. તેને લાલકિલ્લો ગુગલ મેપ દ્વારા બતાવતા બાળકે સાંકેતિક ભાષામાં જણાવ્યું હતું કે,લાલકિલ્લાની પાછળ આવેલ દિલ્હીજંક્શન રેલ્વે સ્ટેશન પરથી તે ટ્રેનમાં બેઠો હતો. ત્યાર બાદ તેને દિલ્હીની તેમજ આસપાસ ના રાજ્યોની અલગ અલગ જગ્યાઓ પર આવેલ મસ્જીિદ, મદરેસાના ધાર્મિક સ્થળો ના ફોટોગ્રાફ સોશિયલ મિડિયા દ્વારા બતાવેલ જેમાં વધુમાં એક સોશિયલ મિડિયા એકાઉન્ટમાં બાળકને રીલ સર્ચ કરી બતાવતા રીલ ના બેકગ્રાઉન્ડમાં આવતા મકાનો, ગલીઓને બતાવતો કે, તે જગ્યા પર તેનું ઘર છે. જેથી તેના એકાઉન્ટની રીલો વિશે વધારે શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે તે, બરેલી ઉત્તરપ્રદેશથી બનાવેલ હોઇ બરેલી, ઉત્તરપ્રદેશ પોલીસનો સંપર્ક કરેલ અને ત્યાંથી કંટ્રોલ રૂમ બરેલી, ઉત્તર પ્રદેશ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં બાળક અયાન ની માહિતી મોકલી હતી. જેના થોડા સમય બાદજ બરેલી પોલીસસ્ટેશન દ્વારા સંપર્ક થતા તેમણે જણાવ્યું હતું કે બાળક અયાન” કે જેની ગુમ થયાની ફરિયાદ તા. ૨૩/૧૦/૨૦૨૪ ના રોજ નોંધાયેલ છે. જેથી બાળકના પરિવારની માહિતી મળી હતી અને ત્યાંથી બાળકના આધાર પુરાવા આવતા જાણવા મળ્યું કે, બાળક અયાન સાથે અન્ય બે બાળકો કોઇને જાણ કર્યા વગર બરેલી ઉત્તરપ્રદેશથી નીકળી ગયા હતા. અને ત્યારબાદ અયાન સિવાય અન્ય બે બાળકો ઘરે પરત આવી ગયા, પરંતુ બાળક અયાન ઘરે પરત ન આવતા બાળકના માતાપિતાએ બાળક અયાનની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
બાળક ઘરેથી નીકળી જઇ દિલ્હી પહોચી ગયો અને ત્યારે દિલ્હી રેલ્વે સ્ટેશન પર બિનવારસી હાલતમાં મળી આવતા બાળક અયાનને દિલ્હી બાળ ગૃહમાં આશ્રય હેઠળ મુકેલ પરંતુ ત્યાંથી તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ સંસ્થામાંથી નાસી જઇ દિલ્હી જંક્શન સ્ટેશન પરથી દોલતપુર એક્સપ્રેસ ટ્રેનમાં બાળક બેસી ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર આવતા કેપીટલ રેલ્વે પોલીસ દ્વારા અત્રેથી સંસ્થામાં આશ્રય હેઠળ મળ્યો હતો. જેથી ફકત ૪ દિવસમાં બાળકની કાઉન્સેલિંગ પ્રક્રિયા હાથ ધરીને સતત તેના પ્રયાસ કરતા બાળકના વાલીનો સંપર્ક થયેલ અને બાળકને વિડિઓ કોલ પર વાત કરાવેલ જેથી માતાપિતાને પોતાનો દિકરો મળી ગયો. અને તેને વિડિયોકોલ પર વાત કરાવતા તેના માતાપિતા ખુશીથી રડી પડયા અને છેલ્લા ૧૫ માસથી બાળકના મળવાની આશા મુકી દિધેલ પરંતુ બાળક ને વિડિયોકોલ પર જોતા તેમના હરખ ના આંસુ આવી ગયા હતા.
આમ બાળકના વાલી મળી જતા બાળકને તેના પરિવારમાં પરત મોકલવા માટે પહેલા બાળકને દિલ્હી બાળગૃહ ખાતે બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગરના આદેશથી બાળક અયાનના સફળ પારિવારિક પુનઃસ્થાપન અંગે જિલ્લા વહિવટી તંત્ર ગાંધીનગર તેમજ બાળ કલ્યાણ સમિતિ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા કચેરી અને સરકારી બાળ સંભાળ ગૃહ ગાંધીનગરના સંયુક્ત પ્રયાસ સંકલનથી એક મુકબધીર બાળકને તેના પરિવાર સાથે મિલન કરાવી સત્કાર્યના સાક્ષી બન્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ