

જૂનાગઢ 28 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં બાયપાસ રોડ પરના ગોધાણી કેમ્પસ ખાતે આયોજિત આ અધિવેશનમાં ઉર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિઝનથી ગુજરાત રાજ્ય વીજ ઉત્પાદનમાં દેશભરમાં ટોચના સ્થાને બિરાજમાન છે, તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદીના વિચાર અને વિઝનને સાકાર કરવા તથા ગુજરાતને ઝળહળતું અને પ્રકાશમાન બનાવવામાં વીજ ઇજનેર અને કર્મયોગીઓ પણ એટલા જ જસના ભાગીદાર છે.
ગુજરાત વીજ ઉત્પાદનમાં સરપ્લસ સ્ટેટ હોવાની સાથે વીજ ક્ષેત્રની અન્ય બાબતોમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી છે, ગુજરાત રાજ્યને વીજ ક્ષેત્રે દર વર્ષે શ્રેષ્ઠ કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળતા રહે છે, જે ગુજરાતની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. આમ, વીજ ક્ષેત્રે ગુજરાતની પ્રતિષ્ઠા વધારવામાં વીજ ઇજનેર અને કર્મયોગીઓનો ખૂબ મોટો ફાળો રહ્યો છે.
તેમણે વીજક્ષેત્રમાં કાર્બન એમિશન ઘટાડવા અને વીજળીના નવા આયામ રૂપ હાઈડ્રોજન ફ્યુલ, રિન્યુએબલ એનર્જી સહિતના વીજક્ષેત્રના નવા આયામોની છણાવટ કરતા તેમણે કહ્યું હતું કે, વીજક્ષેત્રના નવા વિચારો, નવા વિષયો, સંશોધનો, ટેકનોલોજીના આવિષ્કાર સાથે આપણા વીજ ઇજનેર સંપર્કિત રહે તે પણ એટલું જ જરૂરી છે. વીજક્ષેત્રના ઇજનેર સહિત ગુજરાતના કર્મયોગીઓ સતત પોતાને અપડેટ કરી ગુજરાતને નવી દિશામાં, નવા વિચારો સાથે આગળ વધારી રહ્યા છે.
વીજળીના બહુઆયામી ક્ષેત્રમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ - નવીન સંશોધનોને વેગ મળે અને આ સાથે આ ક્ષેત્રમાં સ્ટાર્ટ અપને પણ વણી લેવામાં આવશે.
તેમણે વર્ગ ૧ અને ૨ના અધિકારીઓ તથા વર્ગ ૩ અને ૪ના કર્મયોગીઓને એક સાથે તાલમેલ અને સંવાદિતા સાધી પ્રજાહિતની યોજનાઓને જમીન પર સાકાર કરવા માટે પણ આહવાન કર્યું હતું.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ જીઇબી એન્જિનિયર એસોસિએશનના ત્રિ - વાર્ષિક અધિવેશન માટે શુભેચ્છા સંદેશ આપ્યો હતો, આ સંદેશ દ્વારા પૂર, વાવાઝોડા જેવી આપત્તિઓની કઠિન પરિસ્થિતિમાં વીજ ઇજનેર અને કર્મયોગીઓની કાર્યનિષ્ઠા અને મહેનતને બિરદાવી હતી, જ્યોતિગ્રામ યોજના, થ્રી ફેઈઝ વીજળી, ગુજરાતને સરપ્લસ સ્ટેટ બનાવવા સહિતના કાર્યોને સમય મર્યાદામાં સાકારિત કરવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
GEBEAના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, એનર્જી સેક્ટરના કર્મયોગીઓ એનર્જીથી ભરપૂર છે, ભૂકંપ, વાવાઝોડા વગેરે આપત્તિની સ્થિતિમાંમાં શ્રેષ્ઠ કામ કર્યું છે, તેમણે એમ પણ કહ્યું કે, વીજ ઇજનેર અને કર્મયોગીઓના પરિશ્રમથી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસમાં ખૂબ સારું કાર્ય થયું છે. તેને વધુ આગળ લઈ જવાનું છે, ઉપરાંત વીજ ઇજનેર અને કર્મયોગીઓ રાજ્ય અને રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છીએ, તે ભાવ રાખવો જરૂરી ગણાવ્યો હતો.
પીજીવીસીએલના એમડી કેતન જોશી, GETCOના એમડી ઉપેન્દ્ર પાંડે પણ પ્રસંગોચિત સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે GEBEAના જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાએ જીઈબી એન્જિનિયર્સ એસોસિએશનના સામાજિક અને સેવા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો, ઉપરાંત રાજ્યના વિકાસમાં વીજ ઉત્પાદન, વીજક્ષેત્રની ગુજરાત સરકારની પ્રજાકીય નીતિ વગેરે બાબતોથી અવગત કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, યુજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર એન.એફ. ચૌધરી, પીજીવીસીએલના એમડી કે.પી. જોશી, પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી ડી.પી. ચીખલીયા, શ્રી બળદેવ પટેલ, સહિતના મહાનુભાવો અને રાજ્યભરના વિદ્યુત ઈજનેરઓ સહપરિવાર અધિવેશનમાં સહભાગી બન્યા હતા. વિદ્યુત ઇજનેર એમ.એમ. કડછાએ શાબ્દિક સ્વાગત અને વી. વી. ખૂંટે આભારવિધિ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ