
- 29 અને 30 ડિસેમ્બર, 2025ના રોજ 39.75 કિમી લાંબા બ્રોડ ગેજમાં પરિવર્તિત આ રેલખંડનું સીઆરએસ પશ્ચિમ રેલવે સર્કલ દ્વારા સંરક્ષા નિરીક્ષણ કરવામાં આવશે
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના આદરજ મોટી–વિજાપુર રેલખંડ (39.75 કિમી)નું ગેજ પરિવર્તન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ખંડ હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં પરિવર્તિત થઈ આધુનિક, સુરક્ષિત અને કુશળ રેલ સંચાલન માટે સંપૂર્ણ રીતે છે. આ ખંડનું સંરક્ષા નિરીક્ષણ (સેફ્ટી ઇન્સ્પેક્શન) રેલ સંરક્ષા આયુક્ત (CRS), પશ્ચિમ સર્કલ દ્વારા 29 અને 30 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવશે.
આદરજ મોટી–વિજાપુર રેલખંડ અમદાવાદ મંડળની આદરજ મોટી–વિજાપુર–અંબલિયાસન ગેજ પરિવર્તન યોજનાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ યોજનાને વર્ષ 2022–23માં સ્વીકૃતિ આપવામાં આવી હતી.યોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 417.53 કરોડ છે, જેને 17.05.2022ના રોજ સ્વીકૃતિ આપવામાં આવી હતી.
આ રેલખંડમાં કુલ 01 મેજર બ્રિજ, 44 માઇનર બ્રિજ તથા 35 રોડ અન્ડર બ્રિજ (RUB)નું નિર્માણ કરવામાં આવ્યું છે તથા આ રેલખંડમાં આદરજ મોટી, રાંધેજા, ઉનાવા–વાસન, મકાખડ, લોદરા અને વિજાપુર સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ બ્રોડ ગેજ ખંડમાં 60 કિગ્રાના નવા રેલ પેનલ પાથરવામાં આવ્યા છે. આદરજ મોટી અને વિજાપુર સ્ટેશનો પર સ્ટાન્ડર્ડ–II ઇન્ટરલોકિંગ સિસ્ટમ તથા મલ્ટિપલ એસ્પેક્ટ કલર લાઇટ સિગ્નલિંગ (MACLS) સ્થાપિત કરવામાં આવી છે, જેના પરિણામે ટ્રેનોના સંચાલનમાં સંરક્ષા, સમયપાલન અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થશે.ગેજ પરિવર્તન બાદ આ માર્ગ દ્વારા મુસાફરોને દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે સીધી બ્રોડ ગેજ કનેક્ટિવિટી પ્રાપ્ત થશે.
આદરજ મોટી હાલમાં મોજૂદ એક દ્વિ-ગેજ જંકશન સ્ટેશન છે, જ્યાંથી આદરજ મોટી–ગાંધીનગર–અમદાવાદ (બ્રોડ ગેજ) તથા આદરજ મોટી–કડી–કટોસણ (બ્રોડ ગેજ) લાઈનો જોડાયેલી છે. ગેજ પરિવર્તન પૂર્વે આદરજ મોટી–વિજાપુર એક અલગ મીટર ગેજ ખંડ હતો, જે હવે બ્રોડ ગેજમાં રૂપાંતરિત થઈ એકીકૃત રેલ નેટવર્કનો ભાગ બન્યો છે.
આ ગેજ પરિવર્તન યોજનાથી આદરજ મોટી–વિજાપુર વચ્ચે એકીકૃત બ્રોડ ગેજ રેલ પ્રણાલી ઉપલબ્ધ થશે. તેના કારણે વિસ્તારમાં રોજગારના નવા અવસરો સર્જાશે, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને વેગ મળશે તેમજ પર્યાવરણ-અનુકૂળ, સતત અને ઝડપી રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે. ઉત્તમ પરિવહન સુવિધાઓથી દૈનિક યાત્રીઓ, પ્રવાસીઓ અને વ્યાપારિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે, જેના કારણે પ્રાદેશિક આર્થિક એકીકરણ વધુ મજબૂત બનશે. સંરક્ષા નિરીક્ષણ પૂર્ણ થયા બાદ આ માર્ગ પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકાશે. નવા બ્રોડ ગેજ જોડાણથી ભવિષ્યમાં નવી યાત્રી તથા માલગાડીઓના સંચાલનની સંભાવનાઓ પણ વધશે. આથી ઉત્તર ગુજરાતના ગ્રામિણ અને ઔદ્યોગિક વિસ્તારોને વધુ સારી રેલ કનેક્ટિવિટી મળશે, મુસાફરીનો સમય ઘટશે અને પ્રદેશના વેપાર, ઉદ્યોગ અને કૃષિને નવી ગતિ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ