
ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા અને બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીના ભાગરૂપે, મિલકતવેરા વિભાગે કડક વલણ અપનાવીને લાંબા સમયથી વેરો ન ભરનારા બાકીદારો પાસેથી નોટિસ અને સીલિંગની કાર્યવાહી દ્વારા કુલ રૂ. ૬.૮૨ કરોડની વસૂલાત કરી છે, જ્યારે નોટિસ આપ્યા બાદ પણ વેરો ભરપાઈ ન કરનારી ૬૧ (એકસઠ) મિલકતોને સીલ કરવામાં આવી છે.
મિલકતવેરા વિભાગની આ કામગીરી અંગે વિગતવાર વાત કરીએ તો, જે કરદાતાઓ દ્વારા નિયત સમયમર્યાદામાં વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો, તેવા કુલ ૫,૯૧૫ બાકીદારોને તંત્ર દ્વારા આખરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસના પગલે બાકીદારો પાસેથી રૂ. ૬.૮૨ કરોડ જેટલી માતબર રકમ વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત, આખરી નોટિસ મળ્યા બાદ પણ જે મિલકત ધારકોએ વેરો ભરપાઈ કર્યો ન હતો, તેમના વિરુદ્ધ ટાંચ અને જપ્તી વોરંટ ઇસ્યુ કરી ૬૧ મિલકતો સીલ કરવામાં આવી છે.
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની મિલકતવેરાની કુલ વસૂલાતની વિગતો નીચે મુજબ છે:
કુલ કરદાતાઓ: ૧,૨૩,૨૩૨
કુલ વસૂલાત: રૂ. ૬૫.૪૪ કરોડ
આ વસૂલાતમાં કરદાતાઓ દ્વારા ડિજિટલ માધ્યમનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે:
ડિજિટલ માધ્યમ: ૫૪,૩૪૨ કરદાતાઓ દ્વારા રૂ. ૩૦.૩૨ કરોડ (૪૬%)
ઓફલાઇન માધ્યમ: ૬૮,૮૯૦ કરદાતાઓ દ્વારા રૂ. ૩૫.૧૨ કરોડ (૫૪%)
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ