

ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તેમજ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના આર્થિક સહયોગથી “ગિજુભાઈ બધેકા અને NEP 2020: 21મી સદીમાં ભારતમાં શૈક્ષણિક વલણો” વિષય પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું.
આ પરિસંવાદમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. ટી. એસ. જોષી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાય, મુખ્ય અતિથિ તરીકે જાણીતા બાળસાહિત્યકાર યશવંત મહેતા, અતિથિ વિશેષ તરીકે ગિજુભાઈ બધેકાના પૌત્રી મમતા પંડ્યા, દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ડૉ. હરેશ પંડ્યા, આનંદ નિકેતન શાળાના સ્થાપક કમલ મંગલજી, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. નીલેશ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. ટી. એસ. જોષીએ ગિજુભાઈ બધેકા પ્રેરિત સર્વાંગી બાળવિકાસની સંકલ્પનાને રેખાંકિત કરતાં જણાવ્યું હતું કે, NEP 2020માં પ્રતિબિંબિત થયેલા અનેક વિચારો ગિજુભાઈના શિક્ષણ દર્શન સાથે સુસંગત છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. અમી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજના સમયની શિક્ષણ વ્યવસ્થાને ગિજુભાઈના વિચારોથી જોડીને બાળકેન્દ્રિત, સમાનતાપૂર્ણ અને માનવમૂલ્ય આધારિત બનાવવાની જરૂર છે. અધ્યક્ષીય ઉદબોધનમાં બાળસાહિત્યકાર યશવંત મહેતાએ જણાવ્યું હતું કે, ગિજુભાઈ બધેકા માત્ર શિક્ષક જ નહીં પરંતુ બાળમાનસને સમજનાર દ્રષ્ટા હતા, જેમનું સાહિત્ય અને વિચાર આજે પણ શિક્ષકો માટે માર્ગદર્શક બની રહે છે.
બીજ વક્તવ્યમાં મમતા પંડ્યાએ ગિજુભાઈ બધેકાના જીવન, વિચાર અને કાર્ય પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ગિજુભાઈએ બાળકને કેન્દ્રમાં રાખી શિક્ષણને આનંદમય અને જીવનલક્ષી બનાવવાની દૃષ્ટિ આપી, જે આજે પણ એટલી જ પ્રાસંગિક છે. આનંદ નિકેતન શાળાના સ્થાપકશ્રી કમલ મંગલજીએ બાળકને સમજવાની પ્રક્રિયા પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગિજુભાઈ બધેકાથી પ્રેરાઈને તેઓ પોતાની શાળાઓમાં બાળકેન્દ્રિત અને અનુભવાધારિત શિક્ષણ પદ્ધતિના પ્રયોગો સફળતાપૂર્વક અમલમાં મૂકી રહ્યા છે. જ્યારે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનના ડૉ. હરેશ પંડ્યાએ ગિજુભાઈ દ્વારા સ્થાપિત બાલમંદિરમાં અમલમાં રહેલા શૈક્ષણિક સિદ્ધાંતો અને બાળમૈત્રીપૂર્ણ શિક્ષણ અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
આજના રાષ્ટ્રીય પરિસંવાદમાં નૂતન બાલશિક્ષણ સંઘ અને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર (MoU) પર કરવામાં આવ્યા હતા, જેનાથી બાળશિક્ષણ અને સંશોધન ક્ષેત્રે સહકારની નવી તકો ખુલશે. આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન, ભાવનગર દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત થયેલા પુસ્તકો મોન્ટેસરી પદ્ધતિ, રખડું ટોળી ભાગ-1 અને ભાગ-2, તેમજ શ્રી પ્રમોદ શેઠિયા લિખિત ગિજુભાઈ બધેકા સંચયન અને શ્રી રાજેન્દ્રકુમાર જાની તથા ડૉ. રક્ષાબહેન મહેતા દ્વારા લિખિત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પરિપ્રેક્ષ્યમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ: વિહંગાવલોકનનું વિમોચન કરવામાં આવ્યું હતું. તદુપરાંત બાળકેન્દ્રી પુસ્તકો અને સર્વાંગી બાળ વિકાસ ક્ષેત્રે કામ કરતી 7 સંસ્થાઓના નિદર્શનની પણ વ્યવસ્થા ગોઠવામાં આવી હતી.
ઉદઘાટન સત્ર બાદ રાષ્ટ્રીય પરિસંવાદમાં દેશભરમાંથી ઉપસ્થિત રહેલાં 100થી વધુ સહભાગીઓ દ્વારા પોતાના સંશોધન પત્રો (રિસર્ચ પેપર્સ) રજૂ કરવામાં આવ્યા હતા. આ સંશોધન પત્રોને આગામી સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે. ત્યારબાદ જાણીતા શિક્ષણવિદ્ ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીની અધ્યક્ષતામાં રચનાબેન (સચિવ, નૂતન બાળ શિક્ષણ સંકુલ), સુનીલ બજાજ (નિર્દેશક, SCERT, હરિયાણા), ડૉ. વિકાસ નામદેવ ગરાડ (DIET, પૂણે), ડૉ. દામોદર જૈન (સંસ્થાપક, આત્મનિર્ભર શિક્ષણ સંદર્ભ સમૂહ, ભોપાલ) તથા જે. ઈમ્બરાજ (DEPA, ચેન્નઈ)ની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાપન સત્રના મુખ્ય અતિથિ ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, ગિજુભાઈ બધેકાના શિક્ષણ વિચારો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020 વચ્ચેનો સંવાદ આજના સમયમાં વધુ પ્રાસંગિક બની રહ્યો છે અને બાળકેન્દ્રિત શિક્ષણ માટે દિશાદર્શક સાબિત થાય છે. ઉદઘાટન સત્રનું સંચાલન ડૉ. કૃણાલ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે સમાપન સત્રનું સંચાલન ડૉ. સ્વાતિ ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક તરીકે ડૉ. ધર્માંશુ વૈદ્ય અને ડૉ. નિગમ પંડ્યાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ