

ગાંધીનગર, 28 ડિસેમ્બર (હિ.સ.) : ખૂબ જ ઝડપથી બદલાતી ટેક્નોલોજી, સામાજિક/આર્થિક પરિસ્થિતિ અને સ્પર્ધાત્મક યુગમાં યુવાનો વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક પ્રશ્નોની અનેક સમસ્યાઓથી મૂંઝવણ અનુભવતા હોય છે. આવા યુવાનોને રોજિંદા જીવનના પ્રશ્નો અને પડકારોનો અસરકારક રીતે સામનો કરવા, આત્મવિશ્વાસ અને રચનાત્મક દૃષ્ટિકોણ સાથે આગળ વધવા અને જીવનને ઉત્સવમય બનાવવા જીવન કૌશલ્યો શીખવા ખૂબ જ જરૂરી છે.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ એમ. પટેલ ની પ્રેરણાથી બે દિવસીય જીવન કૌશલ્ય કાર્યશાળાનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ, સેકટર - ૨૩ ખાતે કરાયું જેમાં સર્વ વિદ્યાલયની ૧૬ કોલેજના ૧૯૨ વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ રસપૂર્વક જોડાયા હતા. બે દિવસની કાર્યશાળામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા સૂચવવામાં આવેલ ૧૦ કૌશલ્યો, જેમાં સ્વ-જાગૃતિ, સહાનુભૂતિ, નિર્ણય લેવાની ક્ષમતા, વિવેચનાત્મક વિચારસરણી, સમસ્યાનું નિરાકરણ, અસરકારક સંચાર, સર્જનાત્મક વિચારશણી, આંતરવ્યક્તિગત સંબંધો, તણાવની સ્થિતિનું અને લાગણીઓનું સંચાલન જેવા જીવન ઉપયોગી કૌશલ્યોનું વિવિધ પ્રવૃત્તિઓનો માધ્યમથી ગાંધીનગરના જાણીતા કોર્પોરેટ મેનેજમેન્ટ ટ્રેનર સુરેશભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વધુમાં વાત કરતા સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મુશ્કેલીને પડકાર તરીકે સ્વીકારનારા સ્વર્ગનું સર્જન કરતા હોય છે. સર્જન કરવું એ દરેક યુવાનના હાથની વાત છે.જીવનને ઉત્સવમય બનાવીને, શાંતિપૂર્ણ જીવવા માટે સત્તા અને પૈસા કરતા કેટલું જીવ્યા અને કેટલો આનંદ આવ્યો, જીવનની પ્રત્યેક પળનો ઉત્સવ ઉજવ્યો કે નહીં એ અગત્યની વાત છે. છેલ્લે તેમણે જણાવ્યું કે જીવનને સુખી અને સાર્થક કરવાનો એક અદભુત કીમીઓ એ છે કે દુઃખી ચહેરા પર ખુશી લાવવાનું કારણ બનવું. બે દિવસીય કાર્યશાળાનું આયોજન અને સંચાલન સર્વ નેતૃત્વ સેલના હેડ ડો. ધર્મેન્દ્ર પટેલ, રાહુલ સુખડિયા, પ્રા. સૂરજ મુંઝાણી અને પ્રા. કાર્તિક પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્ય શાળામાં બંને દિવસ હાજર રહેનાર તમામ વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા ભોજન, કીટની નિઃશુલ્ક વ્યવસ્થા કરાઈ હતી અને સૌને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ