
અમરેલી, 29 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી એ તાજેતરમાં યોજાયેલા એક સમાજના કાર્યક્રમમાં હાજરી આપી સમાજ પ્રત્યે પોતાની જવાબદારી અને પારદર્શકતાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “જેમ વિજ પ્લગમાં ટેસ્ટર અડાડવાથી તરત ખબર પડે કે પાવર આવે છે કે નહીં, એમ મને પણ કોઈપણ સમયે ‘ટેસ્ટર’ અડાડવાની છૂટ છે. ગમે ત્યારે તપાસો—હું તૈયાર છું.”
મંત્રી વેકારીયાના આ શબ્દો હાજર જનસમૂહમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહનો સંચાર કરતા રહ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે સમાજના દીકરા તરીકે તેઓ હંમેશા સમાજના પ્રશ્નો, માંગણીઓ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. લોકસેવા એ માત્ર પદ નથી પરંતુ જવાબદારી છે—એ ભાવ સાથે તેઓ સતત કાર્ય કરી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા વિકાસ સંબંધિત મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા, જેને મંત્રીએ ધ્યાનપૂર્વક સાંભળ્યા અને યોગ્ય નિવારણ માટે આશ્વાસન આપ્યું. તેમણે ઉમેર્યું કે પારદર્શક કાર્યશૈલી, જવાબદારી અને લોકો સાથે સતત સંવાદ—આ જ તેમની કાર્યપદ્ધતિ છે. આ કાર્યક્રમ સમાજ અને પ્રતિનિધિ વચ્ચે વિશ્વાસના સેતુને વધુ મજબૂત બનાવતો સાબિત થયો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai