
અમદાવાદ,29 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતભરમાં 2025ના અંતિમ દિવસો વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાઈ છે.ઠંડીનું જોર વધવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો કડકડતી ઠંડીમાં 31stની ઉજવણી માટે બહાર ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે નવા વર્ષના પ્રારંભે એટલે કે 2026ના શરૂઆતી દિવસોમાં જ ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન ધીમે ધીમે ઘટશે એટલે કે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી પડી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ગુજરાતમાં 2026ના નવા વર્ષની શરૂઆતમાં હવામાન વિભાગે તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની આગાહી કરી છે, અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનું જોર વધશે, લોકોને ગરમ કપડાં પહેરી 31 ડિસેમ્બરની ઉજવણી પડશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહ્યું છે. જોકે, નવા વર્ષના પ્રારંભ પૂર્વે જ ઠંડીનું જોર વધવાની શક્યતા સેવાઈ રહી છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ પર નજર મારીએ તો ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક રહ્યું છે.
ગઈકાલે કચ્છનું નલિયા 10.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં થોડું વધારે રહ્યું હતું, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ તાપમાન સામાન્યથી વધુ નોંધાયો હતો એટલે કે કંઈ ખાસ ઠંડીનો અનુભવ નહોતો થયો. આવી જ રીતે હાલમાં પણ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી તેમ હવામાન વિભાગના ડેટા સૂચવે છે.
ગઈકાલે રવિવારેના રોજ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી વધુ હતું. જ્યારે મહત્તમ તાપમાન 27.4 ડિગ્રી રહ્યું હતું. જોકે આજે સોમવાર (29 ડિસેમ્બર) અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ