

પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ જયા બેન શાહની નિમણૂક થતા અસંતોષ ફાટી નીકળ્યો છે.
પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ બનાવવાની માંગ સાથે SC સમાજના આગેવાનોએ પાટણ કોંગ્રેસ કાર્યાલય ખાતે તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો.
પ્રદર્શન દરમિયાન જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. આગેવાનોએ વરણી પ્રક્રિયામાં સેન્સ લેવાની પદ્ધતિ અવગણાઈ હોવાનો આક્ષેપ કર્યો.
હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, મેવાણી અને પીઠડિયા જિલ્લામાં દખલગીરી કરી મનમાની વરણી કરી રહ્યા છે અને દલિત સમાજમાં આંતરિક વર્ગીકરણ ઊભું કરી રહ્યા છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે, સંનિષ્ઠ કાર્યકરોને બાજુ પર રાખીને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓના ઈશારે નિમણૂકો થઈ રહી છે, જેના કારણે નારાજગી વધી છે.
તેમણે ચેતવણી આપી કે, હાલ તો તાળાબંધી થઈ છે, પરંતુ નિકાલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ જોવા મળી શકે છે.
આગેવાનોના જણાવ્યા મુજબ, હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન SC મતદારોમાં પક્ષની પકડ મજબૂત બની હતી અને લગભગ 250 આગેવાનોએ તેમને રિપીટ કરવાની ભલામણ કરી હતી.
અંતે આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યો કે 7 તારીખે પ્રદેશ નેતા અમિત ચાવડાની બેઠકમાં સકારાત્મક નિર્ણય નહીં આવે તો 1000થી 2000 SC આગેવાનો પ્રદેશ કાર્યાલયે સામૂહિક રાજીનામા આપશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ