
પાટણ, 30 ડિસેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના મેંળોજ ગામની 32 વર્ષીય ગર્ભવતી મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા સિદ્ધપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલા હેપેટાઈટીસ-બી પોઝિટિવ હતી અને આ ચોથી પ્રસૂતિ હોવાથી કેસ હાઈરિસ્ક હતો.
તબીબોએ વધુ સારવાર માટે મહિલાને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ રિફર કરી હતી. જેના પગલે સિદ્ધપુર લોકેશનની 108 એમ્બ્યુલન્સ દ્વારા EMT આનંદ જોશી અને પાયલોટ લલિતભાઈ દરજી મહિલાને લઈને ધારપુર તરફ રવાના થયા હતા.
સિદ્ધપુરથી માત્ર પાંચ કિલોમીટર દૂર મહિલાને તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થતા એમ્બ્યુલન્સ રસ્તામાં રોકવી પડી. પરિસ્થિતિ ગંભીર બનતાં 108 ટીમે હેડ ઓફિસના ડૉ. પરમારનો સંપર્ક કરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો.
પ્રસૂતિ દરમિયાન બાળકના ગળામાં ગર્ભનાળના બે આંટા હોવા છતાં EMT આનંદ જોશીએ કુશળતાપૂર્વક સુરક્ષિત ડિલિવરી કરાવી. 108 ટીમની સમયસૂચકતાથી માતા અને નવજાતનો જીવ બચી ગયો અને બંનેને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ