
પાટણ, 29 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુરની શ્રી ત્રીકમજીભાઈ ચતવાણી આર્ટ્સ એન્ડ જે.વી. ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કક્ષાની ત્રણ દિવસીય “યુવા નેતૃત્વ તાલીમ શિબિર”નો 29 ડિસેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રારંભ થયો. કોલેજના પ્રમુખ ડૉ. મહેશ મુલાણી અને યુનિવર્સિટીના એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર કમલેશ ઠક્કરની ઉપસ્થિતિમાં શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત ડૉ. એસ.એન. ઓઝા દ્વારા શ્લોકગાન અને યુનિવર્સિટી ગીતથી થઈ. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કરે પ્રાસંગિક ઉદ્બોધન કરી વિદ્યાર્થીઓને શિબિરના મહત્વ અંગે પ્રેરિત કર્યા અને મહેમાનોનું સ્વાગત કર્યું. અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડૉ. મહેશ મુલાણીએ શિબિરનો મુખ્ય હેતુ સમજાવ્યો, જ્યારે મેનેજિંગ ટ્રસ્ટી રાયચંદ ઠક્કરે વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા.
એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર તથા કો-ઓર્ડિનેટર કે.કે. ઠક્કરે યુવા નેતૃત્વ શિબિર અંગે વિગતવાર માહિતી આપી. કાર્યક્રમનું સંચાલન ડૉ. સુરેશ ઓઝાએ કર્યું અને આભારવિધિ ડૉ. તુષાર વ્યાસે કરી. શિબિરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ