
જામનગર, 29 ડિસેમ્બર (હિ.સ.) જામનગર મહાપાલીકા દ્વારા દરરોજ પ્રતિબંધીત પ્લાસ્ટીક વેંચનારાઓ અને ઘાસચાારાનું વિતરણ કરતા ધંધાર્થીઓ સામે કડક પગલા લેવાનું શરૂ કરાયું છે ત્યારે 49 પ્લાસ્ટીકના ધંધાર્થીઓ અને 38 ઘાસચારાના ધંધાર્થીઓ પાસેથી ચીજવસ્તુઓ અને ઘાસ જપ્ત કરીને 41800 નો કુલ વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, શહેરમાં પ્લાસ્ટીક જપ્તીકરણ અને ઘાસચારો જપ્તીકરણની ઝુંબેશ ચાલી રહી છે, 49 ધંધાર્થીઓ પાસેથી પ્લાસ્ટીક જપ્ત કરીને 22800 નો વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો, ઉપરાંત શહેરમાં અનેક સ્થળોએ ઘાસચારો વેંચનારાઓ પાસેથી ઘાસ જપ્ત કરીને 38 વેપારીઓ પાસેથી 19 હજારનો વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો અને ફરજમાં રૂકાવટ બદલ ઘાસચારાના વેંચાણ કરતા એક આસામી સામે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા જણાવાયું છે કે, જાહેર રસ્તા પર ઘાસચારો નાખવાથી પશુઓ એંકઠા થાય છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને અકસ્માત થવાનો ભય રહે છે, એટલે જનતાને રોડ ઉપર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવી છે. લોકોએ ઘાસચારો દાન કરવો હોય તો જેએમસી કનેકટ એપ્લીકેશન મારફત દાન અથવા મહાપાલીકા હસ્તકની ગૌશાળાઓ ખાતે દાન કરવા પણ અપીલ કરી છે. આમ હવે કોર્પોરેશન દ્વારા ઘાસચારો અને પ્રતિબંધીત પ્લાસ્ટીકના વેંચાણ કરનારાઓ સામે કડક પગલા લેવાના શરૂ કરાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt