
સુરત, 29 ડિસેમ્બર (હિ.સ.) સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હજારો દર્દીઓ દરરોજ સારવાર માટે આવતા હોય છે. ઘણીવાર દર્દીઓને ઓપરેશન દરમિયાન લોહીને જરૂર પડતી હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં આવેલ બ્લડ બેન્કમાંથી જ લોહી પૂરું પાડવામાં આવતું હોય છે પરંતુ હાલમાં બ્લડ બેન્કમાં લોહીની અસર સર્જાતા બ્લડ બેન્કના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલના સ્ટાફને જ રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ મધ્યમ અને ગરીબ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. દરરોજ 3,000 થી પણ વધારે દર્દીઓ સારવાર માટે હોસ્પિટલ આવે છે. જે પૈકી ઘણા દર્દીઓને ઓપરેશન કરવામાં આવતા હોય છે. કેટલાક કિસ્સાઓમાં ઓપરેશન બાદ દર્દીને તાત્કાલિક લોહી ચડાવવાની પણ જરૂર પડતી હોય છે. જેથી એ સમયે દર્દીના સ્વજનો માટે હોસ્પિટલમાં આવેલ બ્લડ બેન્ક આશીર્વાદરૂપ સાબિત થાય છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં હોસ્પિટલના બ્લડ બેન્ક વિભાગ દ્વારા રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને બ્લડ એકત્રિત કરી જરૂરિયાત મંદોને લોહી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં યોજાતા વિવિધ સામાજિક કાર્યક્રમમાં પણ અને સોસાયટીઓમાં પણ રક્તદાન કેમ્પ યોજી બ્લડ એકત્રિત કરવામાં આવે છે. પરંતુ શિયાળાની ઋતુ દરમિયાન કોઈ બ્લડ કેમ્પો થતા ન હોવાથી હાલમાં હોસ્પિટલમાં બ્લડની અસર સર્જાવા પામી છે. જેના કારણે બ્લડ બેન્કના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલના સ્ટાફને તાત્કાલિક ધોરણે રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત બ્લડ બેન્કના અધિકારીઓ દ્વારા જાહેર જનતાને પણ બ્લડ બેન્ક માટે અપીલ કરાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે