
સુરત, 29 ડિસેમ્બર (હિ.સ.) : વર્ષ 2025 પૂરું થવાનું છે અને થર્ટી ફર્સ્ટ ને આડે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે બુટલેગરો પણ દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડવા માટે પ્રયાસો કરી રહી છે. બીજી તરફ પોલીસ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આવા તત્વોને જેલ ભેગા કરવા માટે ચેકિંગની કામગીરી વધુ સઘન કરવામાં આવી છે. શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલ ભાટપોર જીઆઇડીસીથી ભાટપોર ગામ તરફ જતા દારૂ ભરેલા એક ટેમ્પોને પોલીસે ઝડપી પાડ્યો છે. રૂપિયા 2.59 લાખના દારૂ અને રૂપિયા પાંચ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 7.69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દારૂનો જથ્થો આપી જનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટ આડે માત્ર હવે એક જ દિવસ હોવાને કારણે શહેરમાં દારૂની પાર્ટીઓ કરનારા લોકો દ્વારા દારૂની ડિમાન્ડ પણ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં આ પ્રકારની પાર્ટીઓ ન યોજાય તે માટે ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગતરોજ ઈચ્છાપોર પોલીસને બાતમી મળી હતી કે ભાટપોર જીઆઇડીસી થી ભાટપોર ગામ તરફ જતા રોડ ઉપરથી દારૂ ભરેલો એક ટેમ્પો પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે ઓમકાર રેસીડેન્સી અંદર આવેલ પાર્કિંગ પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીમાં વર્ણન વાળો જીજે.05.બીએક્સ.2552 નંબરનો દારૂ ભરેલો ટેમ્પો ઓમકાર રેસીડેન્સીના પાર્કિંગમાં આવતા જ પોલીસે છાપો મારી ચાલક છોટુકુમાર મોહનરામ પ્રજાપત (રહે-ઘર નં.-15, જલારામ સોસાયટી, પાલી ગામ, સચીન) (મુળ વતન- ગામ દૌલત ગઢ, થાણા આસીંદ બિંદુ, જી. બીલવાડા, રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો અને ટેમ્પોની તલાસી લેતા તેમાંથી રૂપિયા 2.59 લાખનો અલગ અલગ વિદેશી દારૂની 1440 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો સાથે રૂપિયા પાંચ લાખનો ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા 7.69 લાખની મુદ્દામાલ કબજે કરી છોટુ કુમારની ધરપકડ કરી છે. દારૂનો જથ્થો ભરી આપનાર ભવરસિંહ નામના વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે