
અમરેલી, 29 ડિસેમ્બર (હિ.સ.) : અમરેલી જિલ્લાના મોટા માંડવડા ગામની સીમ વિસ્તારમાં શોકજનક ઘટના સામે આવી છે. અહીં 25 વર્ષીય ખેત મજૂર યુવતી મીનાબેન કાલીયા અગમ્ય કારણોસર કૂવામાં ખાબકી જતા મોતને ભેટી છે. ઘટના મોટા માંડવડાના કનુભાઈ બારડની વાડીમાં આવેલા કૂવામાં બની હતી, જેને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મીનાબેન કાલીયા રોજિંદા કામકાજ માટે ખેત મજૂરી કરતી હતી. કોઈ અસ્પષ્ટ કારણોસર તેણી કૂવામાં પડી જતા ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે કૂવામાંથી યુવતીને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.
ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા યુવતી કયા સંજોગોમાં અને કેમ કૂવામાં પડી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માત હતો કે અન્ય કોઈ કારણ, તે દિશામાં વિવિધ પાસાઓ પરથી તપાસ ચાલી રહી છે. ઘટનાને લઈને ગામ અને આસપાસના વિસ્તારમાં શોકનું માહોલ છવાઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai