


પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.)
થરાદમાં જિજ્ઞેશ મેવાણીની સભામાં વડાગામની જી.આર.ડી.માં ફરજ બજાવતી તેજલબા વાઘેલાએ આક્ષેપ કર્યો હતો કે પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટરે ગાંઠનું સામાન્ય ઓપરેશન કરવાને બદલે તેમના ગર્ભાશય કાઢી મૂક્યું. તેઓ કૂવારી હોવા છતાં ગર્ભાશય કાઢી નાખતાં પોતાની જિંદગી બરબાદ થઈ ગયાની પીડા વ્યક્ત કરી હતી. યુવતીએ પોલીસ સ્ટેશનમાં ઘણી રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં ન્યાયની માંગ સાથે ભાવનાત્મક ભાષણ કર્યું હતું.
આક્ષેપો પછી યુવતીએ જાહેર મંચ પરથી ચીમકી આપી હતી કે ન્યાય ન મળે તો તે આત્મહત્યા કરશે. સોમવારે તેઓ ખાખી યુનિફોર્મમાં વડા નજીક કેનાલમાં ઝંપલાવવા પહોંચી પણ સ્થાનિક લોકોએ સમયસર બચાવી લીધી હતી. આ ઘટનાએ વિસ્તારમા ચકચાર મચાવી હતી.
આ તરફ આધાર વુમન્સ હોસ્પિટલના ડૉ. કલ્પેશ વાઢરે તમામ આક્ષેપોને નકારી આપ્યા હતા. હોસ્પિટલનું કહેવું છે કે 26/10/25ના રોજ તપાસ દરમિયાન ગર્ભાશયમાં ગાંઠ મળી હતી અને દર્દી તથા તેમના સગાના સહીવાળા સંમતિપત્ર બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલએ તમામ દસ્તાવેજો પાટણ સાહિત્ય બી ડિવિઝન પોલીસને સબમિટ કર્યા હોવાની માહિતી આપી હતી.
યુવતીએ કહ્યું હતું કે તે કૂવારી છે અને આ ઓપરેશનને કારણે તેના લગ્ન અને ભવિષ્ય પર પ્રહાર થયો છે. પોલીસ સ્ટાફમાં સેવા આપતા હોવા છતાં ન્યાય ન મળવાની વ્યથા તેમણે વ્યક્ત કરી હતી. જિજ્ઞેશ મેવાણીની સભામાં હાથ જોડીને ન્યાય માગતા કહ્યું હતું કે ન્યાય ન મળે તો આત્મહત્યા સિવાય તેની પાસે વિકલ્પ નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ