


અંબાજી 09 ડિસેમ્બર (હિ.સ) યાત્રાધામ અંબાજીમાં ૨૦૨૬ની મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચ દસ નામ આહ્વાન અખાડા દ્વારા પાંચ દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાધુ-સંતો દ્વારા શાહી સ્નાન યોજાશે.આ શાહી સ્નાનની પરંપરા છેલ્લા ચાર વર્ષથી ચાલી આવે છે, અને આ વર્ષે તેનું પાંચમું આયોજન છે.
આ પ્રસંગે ભારતભરમાંથી હજારો નાગા સાધુ-સન્યાસીઓ અંબાજીમાં એકઠા થશે.કાર્યક્રમની 11 જાન્યુઆરીએ શરૂઆત સંતોના આગમન સાથે થશે. ત્યાર બાદ ગણપતિ પૂજા, ધર્મધજા સ્થાપન, ગૌ પૂજા અને કન્યાપૂજન જેવી ધાર્મિક વિધિઓ યોજાશે.આ વર્ષે મકરસંક્રાંતિ ૧૪મીબપોરે ત્રણ કલાકે શરૂ થતી હોવાથી, મુખ્ય શાહી સ્નાન 15 જાન્યુઆરીએ સૂર્યોદય સમયે કરવામાં આવશે.
આ પવિત્ર દિવસૉ દરમિયાન રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ગંગા આરતીનું પણ આયોજન કરાયું છે. 15 જાન્યુઆરીએ સાધુ-સંતોના શાહી સ્નાન બાદ આ પાંચ દિવસીય કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. અંબાજી ગામના નાગરિકો અને સાધુ-સંતો દ્વારા આ કાર્યક્રમ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ