
સોમનાથ,9 ડિસેમ્બર (હિ.સ.) સોમનાથ જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં અંદાજીત 80160 હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર થયું છે અને હાલ ચાલુ વાવેતરમાં છે. જેમાં મુખ્યત્વે ઘઉ, ચણા,ધાણા, શેરડી, ડુંગળી અને ઘાસચારા પાકોનું વાવેતર કરાયું છે.જિલ્લાના ખેડૂતોને વાવેતર કરેલા જુદા જુદા પાકો માટે પુરતા પ્રમાણમાં યૂરિયા ખાતર મળી રહે તે અંગે નિયમીત રીતે ઉત્પાદક કંપનીઓ અને વિતરક સંસ્થાઓ સાથે સંકલન કરી તમામ ખેડૂતોને ખાતર મળી રહે તે અંગે વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અન્વયે ચાલુ રવિ સિઝનમાં 1 ઓકટોબર થી 9 ડિસેમ્બર સુધીમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં જુદા-જુદા વિક્રેતાઓને ત્યાં 8150 મે.ટન (1,81,111 બેગ) યૂરિયા ખાતરનો જથ્થો સપ્લાય કરેલો છે અને ચાલુ મહિનામાં 8400 મે. ટન યુરીયા ખાતરની સપ્લાય થાય તે મુજબનું સપ્લાય આયોજન કરાયું છે.
જેથી જિલ્લામાં યૂરીયા ખાતરની સપ્લાય અવિરત ચાલુ રહેશે તો જિલ્લાના દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે, યૂરિયા ખાતર નહી મળે તેવી ખોટી અફવાઓ તરફ ધ્યાન ન રાખી, ખાતરનો બીનજરૂરી સંગ્રહ ન કરવો અને જરૂરીયાત પુરતું ખાતર ખરીદ કરવું.
વધુમાં કોડીનાર તાલુકાના અડવી ગામે ડી.એ.પી. ખાતરમાં કાળી કાકરી નીકળવાના પ્રસિધ્ધ થયેલ સમાચાર અંગે સબંધીત અધિકારીઓ દ્વારા આનુસાંગીક તપાસ કરી ડી.એ.પી. ખાતરના નમૂનાઓ લઇ સરકાર માન્ય લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાવતા ડી.એ.પી. ખાતર ધારાધોરણ મુજબનું જણાયેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ