
પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.) પાટણ નગરપાલિકાની GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાની ઘટના સામે આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે અધિકારીઓ ગાડી સર્વિસમાં છે એવું કહી રહ્યાં હતા. પરંતુ તપાસ દરમિયાન આ દાવા ખોટા સાબિત થયા.
વાહન શાખાના સુપરવાઇઝર અને અધિકારી પાલભાઈએ ગાડીની લોગબુક બતાવવા ઇનકાર કર્યો હતો. પહેલા પાટણ અને પછી મહેસાણાના મહેન્દ્રા શોરૂમમાં ગાડી સર્વિસમાં છે એવું જણાવાયું, પરંતુ બંને સ્થળે ગાડી ન હોવાનું બહાર આવ્યું. કર્મચારી પાર્થભાઈએ 04ડિસેમ્બરના રોજ સર્વિસમાં મૂકી હોવાનું કહ્યું, પરંતુ શોરૂમ અનુસાર ગાડી 05ડિસેમ્બરની સવારે પરત લઈ જવામાં આવી હતી.
આથી સ્પષ્ટ થયું કે 05ડિસેમ્બર થી 09ડિસેમ્બર સુધી ગાડી પાલિકા ખાતે નહોતી અને આ સમયગાળા દરમિયાન ગેરવપરાશની શંકા વ્યક્ત થઈ. 09ડિસેમ્બરની રાત્રે આશરે 3 વાગ્યે ગાડી મહેન્દ્રા શોરૂમના ગેટ પાસે મૂકાઈ હતી અને તે માટે ચીફ ઓફિસરની ગાડીનો ઉપયોગ થયો હતો.
બીજા દિવસે સવારે કર્મચારીઓ કથ્થઈ કલરની બીજી કેમ્પર સાથે શોરૂમ પહોંચીને ગાડી પાછી લઈ ગયા, પરંતુ 11 વાગ્યા સુધી પણ ગાડી નગરપાલિકા ખાતે જોવા મળી નહોતી. કોંગ્રેસ પ્રમુખે જનતાના ટેક્સના પૈસાથી ચાલતી ગાડીના દુરુપયોગ અને ડીઝલના વ્યય અંગે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી તથા પોલીસ ફરિયાદની માંગ કરી છે, જ્યારે અધિકારીઓ હાલ કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ