

પોરબંદર, 9 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીએ રાણા કંડોરણા ખાતે ખેડૂત પ્રકાશ સુરેલાના વેલનાથ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન ખેડૂત પ્રકાશ સુરેલાએ પોતાના ફાર્મ પર અમલમાં મૂકી રહેલી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેમના આયામો તથા તેનાથી થતો લાભ અંગે જિલ્લા વિકાસ અધિકારીને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ખેડૂતએ પ્રાકૃતિક ખેતીથી થતા મગફળી, ઘઉં, ચણા, દેશી શાકભાજી તેમજ વિવિધ ફળ પાકોના ઉત્પાદન વિશે (સ્થળ પર) અધિકારીઓને વિગતવાર માહિતી આપી હતી. પ્રાકૃતિક પદ્ધતિ દ્વારા જમીનની ક્ષમતામાં સુધારો, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો તથા સ્વસ્થ પાકની પ્રાપ્તી જેવા પરિણામો અંગે જાણકારી આપી હતી.અધિકારીઓએ ખેડૂત દ્વારા અપનાવવામાં આવતા પ્રાકૃતિક ખેતીના મોડલની પ્રશંસા કરી અને આવનારા સમયમાં વધુ ખેડૂતોએ આ પ્રાકૃતિક ખેતી અપનાવીને સ્વસ્થ કૃષિ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.
આ તકે પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સીમા જે. શર્મા મેડમ, તાલુકા વિકાસ અધિકારી હિતેષ પરમાર તેમજ માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલ્ટન્ટ બાદલ કાનગડ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya