
જામનગર, 9 ડિસેમ્બર (હિ.સ.) : જામજોધપુરમાં ૩૫ વર્ષ પહેલાં પોલીસના કહેવાતા દમનની નોંધાયેલી ફરિયાદ અંગેનો કેસ હાલમાં ચાલવા પર આવ્યો છે ત્યારે તે કેસની મુદ્દતે આજે આઈપીએસ સંજીવ ભટ્ટને રાજકોટની જેલમાંથી લાવી અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા. અગાઉ પોલીસ કસ્ટડીમાં જામજોધપુરના એક વ્યક્તિના નિપજેલા મૃત્યુના કેસમાં આ પૂર્વ અધિકારીને સજા ફટકારાઈ છે.
જામજોધપુર શહેરમાં વર્ષ ૧૯૯૦માં લાદવામાં આવેલા કર્ફયુ વેળાએ કેટલાક વ્યક્તિઓ કર્ફયુનો ભંગ કરતા હોવાનો આરોપ મૂકી જે તે વખતે પોલીસે કેટલાક વ્યક્તિઓની અટકાયત કરી હતી. જેમાં પોલીસની કસ્ટડીમાં પડેલા કહેવાતા મારથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું.
તત્કાલિન ડીએસપી સંજીવ ભટ્ટ (આઈપીએસ) સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓ સામે મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં અદાલતે સંજીવ ભટ્ટને તક્સીરવાન ઠરાવી સજા પણ ફટકારી હતી. તે દરમિયાન પોલીસના જામજોધપુરમાં કહેવાતા થયેલા દમનની અન્ય ફરિયાદમાં પણ ગુન્હો નોંધાયો હતો.
આ ગુન્હા અંતર્ગત જામજોધપુરની અદાલતમાં ચાલવા પર આવેલા કેસમાં આજે રાજકોટની જેલમાંથી આઈપીએસ સંજીવ ભટ્ટને મુદ્દત અન્વયે હાજર રખાવવામાં આવ્યા હતા. તેઓને ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે જામજોધપુરની અદાલતમાં લાવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt