
પાટણ, 9 ડિસેમ્બર (હિ.સ.)પાટણ શહેરની વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર વધતા ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યાને ધ્યાનમાં રાખી સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી છે. તેમણે પાટણ–ચાણસ્મા–ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ નિર્માણ કરવાની તાત્કાલિક માંગ કરી છે.
આ ચોકડી પર પદ્મનાભ મંદિર, સ્વામિનારાયણ મંદિર, અનેક શાળાઓ અને 100થી વધુ રહેણાંક સોસાયટીઓ હોવાથી સતત ભારે વાહનવ્યવહાર રહે છે. ધાર્મિક તથા વાણિજ્યિક વિસ્તારોના કારણે ટ્રાફિકનું ભારણ વધુ વધી રહ્યું છે.
સાંસદના જણાવ્યા મુજબ, ઓવરબ્રિજનું નિર્માણ થવાથી સ્થાનિક નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળી શકશે અને અવરજવર વધુ સુરક્ષિત બનશે. સાથે જ, આ વિસ્તારમાં થતા અકસ્માતોના પ્રમાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ