મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). ગાયત્રી પરિવાર શુભારંભને 2026માં 100 વર્ષ થવા જઈ રહ્યાં છે. ત્યારે આ શતાબ્દિ મહોત્સવના ભાગરૂપે ગાયત્રી ચેતના કેન્દ્ર, મોડાસા દ્વારા ઠેર ઠેર યજ્ઞોની શૃંખલા ચાલી રહી છે. 16 ફેબ્રુઆરી રવિવારે મોડાસાના મેઘરજ રોડ પર આવેલ દ્વારકાપુરી સોસાયટી ખાતે અગિયાર કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું. ગાયત્રી પરિવારના અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા તેમજ મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરી શુભારંભ કરાયો. સોસાયટીના અનેક રહીશો આ પવિત્ર મહાયજ્ઞમાં યજમાન તરીકે પૂજનમાં જોડાયા. આ મહાયજ્ઞમાં ઔષધીય જડીબુટ્ટીઓની આહુતિઓ અર્પણ કરાઈ. સાથે સાથે સહભાગી થનાર સૌએ શ્રેષ્ઠ માનવીય જીવન માટે વ્યસનોથી મુક્ત રહેવા તેમજ માનવતાની સેવાના સંકલ્પ લીધા. સમગ્ર યજ્ઞ કર્મકાંડ સંચાલન રશ્મિભાઈ પંડ્યા તેમજ અરવિંદભાઈ કંસારાએ કર્યું. ગાયત્રી પરિવારના અનેક સ્વયંસેવકોએ સેવાકિય સહકાર આપ્યો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા દ્વારકાપુરીના ભરતભાઈ જયસ્વાલ, ધનશ્યામભાઈ ઉપાધ્યાય તેમજ અનેક ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ