મોડાસા, 17 ફેબ્રુઆરી (હિ.સ.)મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની સીઝનનો આજે ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિયાળુ સીઝનમાં ખેડૂતોએ ઘઉંનું વિશેષ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, જેમાં ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે જળસ્ત્રોત પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હતો.
ડેમમાંથી કેનાલ દ્વારા નિયમિત પાણી પુરવઠો મળવાથી ખેડૂતોએ ઘઉંના પાકની ઉત્તમ માવજત કરી શક્યા હતા. પરિણામે, વહેલા વાવેતર કરાયેલા ઘઉં પાકી ગયા છે. આજે મોડાસા તાલુકાના એક ખેડૂત 25 બોરી ઘઉં લઈને માર્કેટયાર્ડમાં આવ્યા હતા.
માર્કેટયાર્ડના સત્તાધીશોએ સીઝનના પ્રથમ ખેડૂતનું કુંકુમ તિલક કરીને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. હરાજી પ્રક્રિયામાં ઘઉંનો ભાવ પ્રતિ મણ રૂ.625 નોંધાયો હતો. પોષણક્ષમ ભાવ મળતાં ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી. આ વર્ષે પાણીની સારી ઉપલબ્ધતા અને યોગ્ય માવજતને કારણે ઉત્પાદનની આશાજનક સંભાવના છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ