•સરગવાનાં મૂળથી લઈને સરગવાની શીંગ, પાંદડાં, છાલ, ફૂલોનો વિવિધ રીતે શાકભાજી અને ઔષધિય તરીકે ઉપયોગ કરી શકાય છે
રાજપીપલા, 17 ફેબ્રુઆરી (હિ.સ.). સરગવાનું વૃક્ષને સૌ કોઇએ જોયું હશે. આ વૃક્ષ એવુ છે જેની વિશેષ માવજતની જરૂર પડતી નથી. ઓછી કાળજી માગતું અને માનવીને આર્થિક ફાયદો કરાવતું વૃક્ષ છે. જે અનેક પૌષ્ટીક તત્વોના ગુણોથી ભરપૂર છે. જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. સરગવાનાં મૂળથી લઈને સરગવાની શીંગો, પાંદડાં, છાલ, ફૂલોનો ઉપયોગ વિવિધ રીતે શાકભાજીમાં અને ઔષધિય રીતે ઉપયોગ કરી શકાય છે. એટલે જ સરગવાને સ્વાસ્થ્યનો ખજાનો તરીકે ઓળખવામાં આવે છે.
સરગવાના લીલા પાન ઘઉંના લોટમાં મિક્સ કરી રોટલી અને પરોઠા બનાવી શકાય છે. તેની સીંગો, ફુલોમાંથી શાક, સૂપ અને સ્વાદિષ્ટ ચટણી પણ બને છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનાના સમયગાળામાં સરગવા પર ફુલ આવે છે. એપ્રિલ-મે મહિનામાં તેના પર શીંગ લાગે છે. સરગવાની શીંગ વિટામીનનો ભંડાર છે. ૨.૫ ફૂટ સુધીની લંબાઈ ધરાવતી લીલીસોટી જેવી શીંગમાં માવો હોય છે. જેનું શાક બનાવામાં આવે છે. સરગવામાથી પ્રોટીન, ઘણા પ્રકારનાં વિટામિન્સ અને પોષકતત્વો પ્રચુર માત્રામાં હોય છે. આયુર્વેદ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સરગવાનાં મૂળથી લઈને એના પાન અને ફળો માનવીને ફાયદાકારક છે. સરગવાની દાંડીઓ, પાંદડાં, છાલ, ફૂલો શીંગનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. જેનાથી માનવીમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે. પાચન સુધારે છે. બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે. પેટની સમસ્યામાં રાહત મળે છે. સરગવાનાં પાનમાં પ્રોટીન, બીટા-કેરોટીન અને એન્ટીઓક્સિડન્ટ ઉપરાંત એસ્કોર્બિક એસિડ, ફોલિક અને ફિનોલિક હોય છે. જેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. સરગવાની અભિવૃદ્ધિ: સરગવાનો છોડ-બીજ વાવીને અથવા વૃક્ષની ડાળી કાપી અને તેને લગાવી તૈયાર કરી શકાય છે. ડાળી ૦૩ ફૂટ લાંબી અને ૦૫ થી ૦૬ સેમી પહોળી હોવી જોઈએ. બીજને ચોક્કસ જગ્યાએ બીજામૃતમાં સંસ્કાર કરીને લગાવો. રોપણી પહેલા ૨૪ કલાક માટે બીજને બીજામૃતમાં પલાળી રાખો. બે હરોળનું અંતર ૧૬ થી ૧૨ ફૂટ રાખવું. આ અંતર ફળઝાડ વૃક્ષ અથવા આંતરપાક ઉપર આધાર રાખે છે. સરગવાના વૃક્ષ પર શાખાઓ સતત વધતી જાય છે. જ્યાં સુધી સરગવાનું વૃક્ષ મુખ્ય ફળઝાડની ઉપર ૦૨ ફૂટ સુધી ન પહોંચે ત્યાં સુધી તેની ડાળીઓ તોડતા રહો જ્યારે તે નિશ્ચિત ઊંચાઈએ પહોંચી જાય પછી તેને ઉપર ફેલાવા દો. આ પ્રકારે વૃક્ષ મુખ્ય ફળઝાડને છાંયો આપશે. તોડેલી ડાળીઓનો ઉપયોગ આચ્છાદન માટે પણ કરી શકાય છે.
સરગવાનું શાક અલગ અલગ રીતથી બનાવી શકાય છે જેવુ કે, સરગવા અને બટાકાનું શાક, સરગવાની પાકી શીંગના બીનુ શાક, સરગવાની શીંગનુ ચણાના લોટવાળું શાક, સરગવાની શીંગનુ શાક, સરગવા, વટાણા અને બટાકાનુ શાક, સરગવાની શીંગ અને બટાકાનું ભરેલુ શાક, સરગવાનુ રસાદાર લોટવાળુ શાક આમ સરગવામાંથી વિવિધ પ્રકારની અનેક વાનગીઓ બનાવી શકાય છે. નર્મદા જિલ્લામાં ખેડૂતો પોતાના શેઢા, પાળા કે ખેતરમાં સરગવાના ઝાડ ઉગાડીને પૂરક અને મુખ્ય આવક મેળવી શકે છે અને તેના માટે બાગાયત વિભાગ છોડ અને માર્ગદર્શન આપીને ખેડૂતોને સરગવાની ખેતી તરફ વળવા ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. આંગણવાડી-શાળાના પટાંગણમાં પણ આ છોડ રોપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય