રાજપીપલા, 18 ફેબ્રુઆરી (હિ.સ.). વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનો સૂચિત તા.૨૬/૨૭/૦૨/૨૦૨૫ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના પ્રવાસે પધારનાર હોઈ આ સંદર્ભે સૂચારૂં આયોજન અમલવારી અંગે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંદર્ભે પ્રારંભિક બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના અમલીકરણ અધિકારી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓની સંયુક્ત બેઠક તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં માન. રાષ્ટ્રપતિના પ્રોટોકોલ મુજબની કામગીરી અંગે બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વિવિધ વિભાગોના અધિકારીઓને કામગીરીની વહેચણી અને અલગ-અલગ સમિતિની રચના કરવામાં આવી છે અને આ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું અને માન. રાષ્ટ્રપતિ એકતાનગર ખાતેના વિવિધ પ્રકલ્પો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમની મુલાકાત લેનાર હોઈ આ મુલાકાત તેમની યાદગાર બની રહે તે પ્રકારની સુચારૂ વ્યવસ્થા અને કામગીરી કરવા અધિકારીઓને અપિલ કરવામાં આવી હતી. માન. રાષ્ટ્રપતિના આગમનથી લઇને રવાના થાય ત્યાં સુધીની પ્રોટોકોલ મુજબની કામગીરી ચિવટપૂર્વક કરવા અને એક ટીમવર્ક તરીકે આપને સોપવામાં આવેલી જવાબદારી નિભાવી માન. રાષ્ટ્રપતિના પ્રવાસને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સૂંબે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટરશ્રી નારાયણ માધું અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય