ગાંધીનગર, 18 ફેબ્રુઆરી (હિ.સ.) : નેશનલ સાયન્સ ડેની ઉજવણી નિમિત્તે IPR ખાતે આયોજિત ઈવેન્ટમાં 1400થી વધુ બાળકોએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોયવાનનું નિદર્શન કર્યું.
તા. 15/02/2025 અને 16/02/2025ના રોજ નેશનલ સાયન્સ ડેની ઉજવણી નિમિત્તે ઇન્સ્ટીટયુટ ફોર પ્લાઝમા રીસર્ચ (IPR) દ્વારા IPR, ભાટ ખાતે બે દિવસીય ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ગુજરાતભરની તમામ શાળાઓમાંથી પ્રતિસ્પર્ધાને અંતે પસંદગી પામેલ વિજ્ઞાનની વિવિધ પ્રતિકૃતિઓનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું. આ ઈવેન્ટ અંતર્ગત સાયન્સને અનુલક્ષીને રમકડાં તથા રમતોને પ્રદર્શિત કરવા માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોયવાનોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેન્ટર ઓફ ટોય સાયન્સ દ્વારા કાર્યરત ટોયવાનને આ કેમ્પસ ખાતે પ્રદર્શની માટે રાખવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના 200 વિદ્યાર્થીઓએ તેમનાં બનાવેલા મોડેલ્સ પ્રદર્શિત કર્યા હતા. તેમજ ઇન્સ્ટીટયુટ ફોર પ્લાઝમા રીસર્ચ(IPR) દ્વારા પણ ટોકામેક મશીનની સંરચનાની માહિતી આપતા મોડેલ્સનું પ્રદર્શન અને IPRના કેમ્પસની મુલાકાત માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે દિવસ દરમિયાન શાળાઓ તથા કોલેજોના 1400 થી વધારે વિદ્યાર્થીઓ તેમજ તેમના શિક્ષકો અને વાલીઓએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોયવાનનું નિદર્શન કર્યું હતું. જેમાં વિવિધ પ્રકારનાં મોડેલ, રમકડાં અને પઝલ નિહાળ્યા હતા.
આ મુલાકાતનું સંપૂર્ણ આયોજન સેન્ટર ઓફ ટોય સાયન્સના નિયામક પ્રો. નિમિષ વસોયાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ પ્રોફેસર રાજેશ વાંસદડિયા તેમજ જીગ્નેશ ઈટાલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ નેશનલ સાયન્સ ડે સેલિબ્રેશનને જોવા અને વિજ્ઞાનની વિવિધ જાણકારી મેળવવા તેમજ IPRના કાર્યક્ષેત્રને જાણવા માટે રાજ્યભરમાંથી શાળાઓ તેમજ કોલેજોના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો તથા વાલીઓ સાથે મુલાકાત લીધી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ