અમદાવાદ, 18 ફેબ્રુઆરી (હિ.સ.). નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અંગે પત્રકારો સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સિનિયર આગેવાનો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ભાજપની અનેક બિનલોકશાહી કાવતરાવાળી પદ્ધતિઓ છતાં ખૂબ સારી રીતે આ ચૂંટણી લડ્યા તે પ્રશંસનીય છે. અમે સ્વીકાર કરીએ છીએ કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અમારું સંગઠન નબળું હતું. આજે જે યોજાઈ તે નગરપાલિકાઓની ચૂંટણીઓ ૨૦૧૮માં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ૭૮ ધારાસભ્યો અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્યો હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ એ જ નગરપાલિકાઓમાં 2018 માં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ ખરાબ હતી.
શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કર્યું હતું અને પરિણામે ખૂબ મોટાપાયા પર કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચૂંટણીઓ પંજાના નિશાન પર લડવામાં આવી. જૂનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં 11 કોર્પોરેટર ચૂંટાયા છે. એ પરિપ્રેક્ષ્ય માં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનીક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે, અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગરપાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે ગયા હતા. સલાયા નગરપાલિકામાં ભાજપ દ્વારા ધાકધમકી, લોભ લાલચ સહિતના હથકંડાઓ અપનાવ્યા હતા.તેમાં છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓનો વિજય થયો અને ભાજપના 12 માંથી એક પણ ઉમેદવાર જીતી શક્ નથી.સલાયા નગરપાલિકાના કોંગ્રેસ ઉમેદવારશ્રીઓ અડગ અને મક્કમ રહીને ભાજપના હથકંડાઓ સામે લડી જીત મેળવી છે કોંગ્રેસ પક્ષ સલાયાના નાગરિકોનો વિશેષ આભાર વ્યક્ત કરે છે અને કોંગ્રેસના કાર્યકર આગેવાનશ્રીઓના અથાક મેહનતે મેળવેલ સલાયા નગરપાલિકા બદલ શુભકામનાઓ પાઠવે છે.આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જરૂર છે.
લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે સહુએ જોયા છે. AIMIM પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા, સમાન્ય સંજોગોમાં આમને સામને જોવા મળતા AAP-ભાજપ સાથે હતા, AIMIM ઉમેદવારોના ક ફોર્મ રજૂ થયા ના હતા, પણ ભાજપે માન્ય રખાવ્યા, કોંગ્રેસની રહી ગયેલી ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકારું છું, કોગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે, કોગ્રેસના કાર્યકર્તા અનેક મોરચે લડ્યા છે, 2027 માટેની તૈયારીઓ સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું.
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય