સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાની પૂર્વતૈયારીઓ અને આયોજન અંગે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં જિલ્લા સેવા સદનથી જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેષ જોઈસર, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર અને અન્ય અધિકારીઓ અને પરીક્ષા સમિતિના સભ્યો વર્ચ્યુઅલી જોડાયા હતા.
આગામી તા.૨૭મી ફેબ્રુ.થી બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થશે, જે સંદર્ભે પરીક્ષાઓના રાજ્યવ્યાપી આયોજન અને તૈયારી અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર-ગાંધીનગર ખાતે આયોજિત વિડીયો કોન્ફરન્સમાં ઉપસ્થિત શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર દ્વારા આયોજનની સમીક્ષા કરીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ, હોલ ટિકિટ પાછળ વિદ્યાર્થી હેલ્પલાઈન નંબર, પરીક્ષા કંટ્રોલરૂમ, જિલ્લા-તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેવું આયોજન કરવા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજવા માર્ગદર્શન આપ્યુ હતું.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ શહેર-જિલ્લામાં પરીક્ષા સંબંધિત તૈયારીઓની રૂપરેખા, કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, સ્ટાફ તાલીમ અને કરવામાં આવેલી વ્યવસ્થા વિષે જાણકારી આપી હતી. તેમણે મેટ્રોની કામગીરીના કારણે થતા ટ્રાફિકને ધ્યાને લેતા વિદ્યાર્થીઓને નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન રહે તે માટે મેટ્રોના અધિકારીઓ સાથે યોગ્ય આયોજન કરાયું હોવાનું મંત્રીશ્રીઓને જણાવ્યું હતું.
નોંધનીય છે કે, સુરત શહેર-જિલ્લામાં ધો.૧૦ ના ૯૧,૮૩૦, ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૪૫,૭૨૦ તથા ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૧૫,૭૪૦ મળી કુલ ૧,૫૩,૨૯૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ૧૪ ઝોનમાં ૮૫ પરીક્ષા કેન્દ્રો, ૫૨૪ બિલ્ડીંગો, ૫૩૭૨ બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. SSC પરીક્ષાનો સમય સવારે ૧૦.૩૦ થી ૧.૧૫ અને HSC નો સમય બપોરે ૩.૦૦ થી ૬.૧૫ રહેશે.
આ વિડિઓ કોન્ફરન્સમાં શિક્ષણ નિરીક્ષકો, પોલીસ, આરોગ્ય, મેટ્રો, માહિતી, મનપાના અધિકારીઓ, માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો, સહિત સબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે