પોરબંદર, 19 ફેબ્રુઆરી (હિ.સ.). પોરબંદર તાલુકામાંથી વધુ એક વખત મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાય છે.પોરબંદર તાલુકામાં ચાલતા બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના ગેરધોરણે ખનન તથા વહન બાબતે કલેક્ટર, પોરબદરની સૂચનાનુસાર પ્રાંત અધિકારી, પોરબંદરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, પોરબંદર(ગ્રામ્ય ) તથા તેમની ટીમ દ્વારા તા. 17/02/2025 તથા તા. 18/02/2025 ના રોજ પોરબંદર તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલ.તા.17/02/2025 ના રોજ મોઢવાડા-કેશવ ડામર રોડ પરથી પસાર થતા ખનીજ વહન કરતા વાહનોની તપાસણી કરતા, પથ્થર ભરેલ ડમ્પરને અટકાવી તેમાં આવેલ ખનીજ અંગે રોયલ્ટી વિગેરે માંગતા તેઓ દ્વારા રજુ ન કરતાં, તે ખનીજ તદ્દન ગેરકાયદેસર હોવાનું સાબિત થત, ડમ્પર સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.
તા.17/02/2025 ના રોજ પોરબંદર તાલુકાના બાવળવાવ ગામની હદમાં બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા સ્થળ ઉપરથી 3 (ત્રણ)-પથ્થર કટીંગ મશીન સીઝ કરી બગવદર પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે. તા.18/02/2025ના રોજ રાતડી ગામે બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનીજના અનઅધિકૃત ખોદકામવાળા અલગ-અલગ સ્થળ ઉપરથી કુલ પથ્થર કટીંગ મશીન-10 (દસ), ટ્રેક્ટર-3 (ત્રણ), ટ્રક-1 (એક) તથા જનરેટર-1 (એક) સીઝ કરી મીયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya