સુરત, 19 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ નજીક નિઃશૂલ્ક લિંબ અને કિલપર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન, શાંતાબેન તૃભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગોની સેવા કરવામાં આવશે.
નારાયણ સેવા સંસ્થાનના ભગવાન પ્રસાદ ગૌડે કહ્યું કે, લોકોએ અકસ્માત કે બીમારીના કારણે હાથ-પગ ગુમાવી દીધા છે. તેમની દુઃખભરી જિંદગી બદલીને સ્વાવલંબન તરફ દોરવા માટે સંસ્થાન નિસ્વાર્થપણે સમર્પિત છે. પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સંસ્થાના સ્થાપક કૈલાશ માનવના પ્રેરણાથી સંસ્થાન છેલ્લા 40 વર્ષોથી માનવતા અને દિવ્યાંગતા ક્ષેત્રે સેવા આપી રહ્યું છે. ગુજરાતના દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવાના સંકલ્પ સાથે, મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લિંબ અને કેલિપર માપન કેમ્પ સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ઉપરોક્ત સ્થળે યોજાશે.
શાંતાબેન તૃભુવનદાસ પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ હરીશભાઈ પટેલે કહ્યું કે, દર્દીઓ અને તેમના પરિવારજનો માટે મફત ભોજન, ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. કેમ્પના સંચાલન માટે નારાયણ સેવા સંસ્થાનની 40 સભ્યોની ટીમ અને 35 સ્વયંસેવકો સેવા આપશે. વિવિધ વ્યવસ્થાઓ માટે અલગ અલગ કમિટીઓની રચના કરી દેવામાં આવી છે.અત્યાર સુધી 450 લોકો પ્રી-રજીસ્ટર થઇ ચૂક્યા છે. કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક દિવ્યાંગોએ આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર અને 2 ફોટો સાથે લાવવાના રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે