પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ખીજડી પ્લોટ પોરબંદર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે રાત્રે 7:30 કલાકે ખીજડી પ્લોટ ગાર્ડન પોરબંદર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને નવરંગ કલા પ્રતિષ્ઠાન પોરબંદરના સંયુકત ઉપક્રમે સુંદર કાર્યક્રમ યોજોશે. વિશ્ર્વ માતૃભાષા દિવસ નિમીતે માતૃભાષાને પોખવાનો રુડો અવસર પોરબંદરના આંગણે છે. ગુજરાતી લોક સાહિત્યના અડાભીડ કલાકાર, જેમની ત્રીસ સેકન્ડની કલીપમાંથી પણ જીવનમાં ઉતારવા જેવી સમજ મળે એવા સાહિત્યકાર, એક અદના સર્જક, જેમની તર્ક સભર વાતો સમાજને સારો રાહ બતાવી શકે. માર્મિક વાતોનો ખજાનો, ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ કરી તર્કની એરણ પર તપાસી રજુ કરે. જેમના ડાયરામાં ગોવાળીયા અને પ્રોફેસર બન્નેને એક સાથે જકડી શકે એવી રજુઆત. આવા આપણા ચહિતા સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવીના મુખે માતૃભાષાના વૈભવની વાતો સાંભળવા આ કાર્યક્રમમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, મહાનગર પાલિકા કમિશ્નર એચ.જે.પ્રજાપતિ, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા વગેરે ખાસ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં સૌ પોરબંદરવાસીઓને ઉપસ્થિત રહી લોકડાયરો માણવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણીયા, મંત્રી ડો. સ્નેહલ જોશી, સંયોજક મિલન પાણખાણીયા, જય પંડ્યા, સુભમ સામાણી અને નવરંગની સમસ્ત ટીમે પોરબંદરની જનતાને જાહેર આમંત્રણ પાઠવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya