ગાંધીનગર, 20 ફેબ્રુઆરી (હિ.સ.) : નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો ત્રીજો પદવીદાન સમારોહ તા. 28મી ફેબ્રુઆરી, 2025 ના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહના “મુખ્ય અતિથિ” તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્થાન શોભાવશે. આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્રણાલિ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
NFSUના કુલપતિ અને ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વિજ્ઞાની ડૉ. જે.એમ. વ્યાસે બુધવારે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૌજન્ય મુલાકાત લીધી હતી. ડૉ. વ્યાસે NFSUના ત્રીજા પદવીદાન સમારોહમાં માનનીય રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર રીતે નિમંત્રણ પાઠવ્યું હતું. ડૉ. વ્યાસે જણાવ્યું હતું કે કે ત્રીજા પદવીદાન સમારોહ અંતર્ગત યુનિવર્સિટીના કુલ 1562 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે 13 વિદ્યાર્થીઓને પીએચ.ડી. અને એલએલ.ડી.ની પદવી એનાયત કરાશે. આ ઉપરાંત, NFSUના તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો પણ એનાયત કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યુકે, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, પોલેન્ડ સહિતના દેશોના મહાનુભાવો પણ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ પદવીદાન સમારોહમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ