પોરબંદર, 20 ફેબ્રુઆરી (હિ.સ.). સમગ્ર ગુજરાતમાં રોડ સેફટી માસની ઉજવણી ચાલી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અને જેસીઆઈ પોરબંદર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ચમ સ્કૂલ ખાતે ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રોડ સેફટી માર્ગદર્શન સેમીનાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિધાર્થીઓને પીએસઆઇ કે.એન.અઘેરા, ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્રમુખ જતીનભાઈ હાથી વગેરેએ રોડ સેફટી બાબતે તકેદારી રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
આ માર્ગદર્શન સેમિનારમાં જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ બિરાજ કોટેચા, હરેશ રાડીયા, ડિસ્ટ્રીકટ ચેમ્બર સેક્રેટરી જયેશભાઈ પતાણી, ચમ સ્કૂલના ટ્રસ્ટી કમલભાઈ પાઉં વગેરેએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે ગ્લોબલ સ્ટેટ્સ ઓફ રોડ સેફટીના એક રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતમાં ભારતમાં એક વર્ષમાં અંદાજે બે લાખ લોકોના મૃત્યુ તથા 4.5 લાખ લોકોને ગંભીર ઈજાઓ થાય છે. આ માર્ગ અકસ્માતથી મૃત્યુ પામનાર લોકોમાં 18 થી 45 વર્ષના યુવાન લોકોનું પ્રમાણ ખૂબ મોટું છે, એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. માર્ગ સલામતી માટેના ચાર આધાર સ્થંભો ટ્રાફિક એજ્યુકેશન, પોલીસ એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી કેર અને રોડ એન્જીનીયરિંગ બાબતે ઊંડાણ પૂર્વક માહિતી આપીને માર્ગ સલામતીને ખૂબ ગંભીરતાથી લેવાની સલાહ આપી સહકારની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya