સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતની નવી સિવિલમાં અઠવાડીયા અગાઉ 28 દિવસની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગાંઠની સારવાર માટે લવાયેલી પાંડેસરાની 28 દિવસની બાળકીની સંભાળ માટે રહેલો પડોશી યુવક જ બાળકીને લઇ ભાગી ગયો હતો. જો કે, પોલીસ તપાસમાં મહિલાએ યુવક સાથે જવાની ના પાડતાં બાળકીનું અપહરણ કરી દેવાયું હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ઝારખંડથી આરોપી યુવકને ઝડપી લઈને બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું હતું. બાળકીની માતા સાથેના સંબંધમાં મહિલાએ સાથે ભાગવાની ના પાડી હોય અપહરણ કરવામાં આવ્યું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
મૂળ બિહારના આરાભોજપુરનો શ્રમજીવી પરિવાર પાંડેસરામાં રહે છે. પરિવારમાં પતિ, 29 વર્ષની પત્ની, 11 વર્ષની પુત્રી, 6 વર્ષનો પુત્ર તથા 28 દિવસની બાળકી છે. પાંડેસરામાં રહેતો સુરજ મહેતા તેમનો પારિવારિક મિત્ર હતો. ત્રણ સંતાનોની માતા સાથે તેનો પરિચય વધ્યો હતો. દરમિયાનમાં 28 દિવસની બાળકીને પીઠના ભાગે ગાંઠ થઇ હતી. જેથી તા.7-2-25ના રોજ તેને સિવિલમાં દાખલ કરાઇ હતી. મહિલાનો પતિ શાકભાજી વેચવાનું કામ કરતો હોવાથી સુરજ સિવિલમાં દીકરીના સંભાળ રાખવા રોકાયો હતો. 12મીએ સુરજ અને બાળકી ગાયબ હતા. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
એસીપી ગુર્જરે કહ્યું કે, અપહરણ થયાની વિગતો મળ્યા બાદ પરિવારે આપેલી વિગત મુજબ સુરજને શોધવા માટે એક ટીમ ઝારખંડ મોકલવામાં આવી હતી. જ્યાંથી આરોપી સુરજને ઝડપી લેવામાં આવ્યો હતો. બાદમાં બાળકીને પણ હેમખેમ રીતે તેની પાસેથી કબ્જે લઈને પરિવારને પરત કરવામાં આવી હતી. બાળકીની માતા અને સુરજને કેવા સંબંધો હતાં. તથા શા માટે બાળકીનું અપહરણ કર્યુ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકી સાથે શું કરવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે