ગાંધીનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.) : વસંત એટલે આનંદ... વસંત એટલે મોજનો સમય. વસંત ઋતુનો પ્રારંભ સ્વયં એક ઉત્સવ છે. કામણગારા શ્રીકૃષ્ણ અને શૃંગાર દેવ કામદેવ આ ઉત્સવના આરાધ્ય દેવતા માનવામાં આવે છે.
રાજ્યના પાટનગર એવા ગાંધીનગર ખાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વસંતના વધામણાનો અનોખો 'વસંતોત્સવ' નાચ-ગાન અને આનંદ- ઉત્સાહની છોળો ઉડાડે છે. પાટનગરની સુસંસ્કૃત પ્રજા સંસ્કૃતિને પોખનારી છે. એટલે જ ગાંધીનગરના આંગણે વર્ષ-1996માં સંસ્કૃતિ કુંજનું નિર્માણ થયું છે. છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા સંસ્કૃતિકુંજમાં યોજાતો વસંતોત્સવ સમગ્ર રાજ્યમાં લોકપ્રિય બની ગયો છે.
વસંતોત્સવ સાચા અર્થમાં કલા-સંસ્કૃતિનો નવરંગી ચંદરવો અને રાષ્ટ્રીય લોકકલાની સંસ્કૃતિના આદાન-પ્રદાનનો અણમોલ અવસર બની રહ્યો છે. ત્યારે તા. 21, ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 06 કલાકે સંસ્કૃતિ કુંજ, સરિતા ઉદ્યાન પાસે 'જ' રોડ ગાંધીનગર ખાતે, માનવંતા મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં આ વર્ષે પણ આ કલા ઉત્સવના વધામણા થવા જઈ રહ્યા છે. જેમાં નગરજનો અને કલારસિકોને ઉત્સવ માણવા, સરકારનો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર આવકારે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ