પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરના બરડા પંથકમાં વર્ષોથી ગંભીર બનતી જતી વીજ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે અને મજીવાણા ખાતે પીજીવીસીએલનું નવું સબડિવિઝન મંજૂર કરવામાં આવ્યું છે. બગવદર સબ ડિવિઝન બાયફરગેસન કરીને મજીવાણા ખાતે નવું સબડીવિઝન બનાવવામાં આવશે તેવી જાહેરાત ઊર્જા મંત્રીએ કરી છે ત્યારે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની જહેમત રંગ લાવી છે જે માટે ધારાસભ્યએ ઉર્જા મંત્રીનો ખાસ આભાર માન્યો છે.
પીજીવીસીએલના બગવદર સબ ડિવિઝનમાં વધારે પડતો વર્ક લોડ હોવાના કારણે પીક અવર્સમાં ખેડૂતોને વધારે વીજળીની જરૂરીયાત હોય ત્યારે ટ્રીપીંગ થતુ હોવાની ફરીયાદો સામે આવતી હતી જેના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તેના નિવારણ માટે ખુબ મોટા એવા બગવદર સબ ડીવિઝનનું બાયફરગેશન કરીને એક નવું સબ ડિવિઝ મજીવાણા ખાતે શરૂ કરવાની લાંબા સમયની માંગણીઓ હતી. આ માટે જિલ્લા/તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચઓએ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાને રજુઆત કરી હતી જે અંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઉર્જા અને નાણામંત્રી કનુ દેસાઈને રજુઆત કરી હતી. ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાની રજૂઆતને માન આપી કનુદેસાઈએ બગવદર સબ ડિવિઝનનું બાયફરગેશન કરીને મજીવાણા ખાતે એક નવું સબ ડિવિઝન બનાવવાની જાહેરાત કરી છે. આ અંગે માહિતી આપતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, મજીવાણા ખાતેનું સબ ડિવિઝન શરૂ થતા વીજ સપ્લાયમાં ખેડૂતોને પડી રહેલ હાલાકીઓને અંત આવશે તેમજ આ સબ ડિવિઝન ખાતે 50 લોકોનો સ્ટાફ કાર્યરત થશે જે પૈકી લગભગ 37 જેટલી નવી જગ્યાઓ ઉભી કરવામાં આવશે અને બાકીની 13 જગ્યાઓ અન્ય સબ ડિવિઝન ખાતેથી ટ્રાન્સફર કરીને ભરવામાં આવશે જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને વેઠવી પડતી પરેશાની નો અંત આવશે.
વધુમાં વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન લોકો ખૂબ હેરાન થતા હતા અને હવે નવું સબ ડિવિઝન મજીવાણા ખાતે કાર્યરત થશે અને પૂરતો સ્ટાફ પણ નિમણૂક કરવામાં આવનાર છે તેથી આગામી ચોમાસામાં આ પ્રકારની પરેશાનીનો અંત આવશે.આ માંગણીને સ્વીકારવા માટે પોરબંદરની જનતા વતી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઉર્જા મંત્રી કનુ દેસાઈનો તેમજ આ માટે રજુઆત કરનાર તમામ આગેવાનોનો પણ આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya